ઇઝરાયેલને લશ્કરી સાધનોનો પુરવઠો વધારવા બદલ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ફ્રાન્સની ટીકા કરી

 

(એજન્સી) તા.૧૦
અનાદોલુના અહેવાલ મુજબ, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની ફ્રેન્ચ શાખાએ ગુરુવારે ઇઝરાયેલને લશ્કરી સાધનોનો પુરવઠો વધારવા બદલ ફ્રાન્સની ટીકા કરી હતી અને પેરિસ પર ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની કાર્યવાહીને ચાલુ રાખવામાં મદદ કરવાનો આરોપ મૂક્યો હતો. માનવાધિકાર જૂથે યુએસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર લખ્યું, “ઇઝરાયેલી સત્તાવાળાઓ દ્વારા ગાઝામાં આચરવામાં આવતો નરસંહાર ૩ વર્ષથી ચાલી રહ્યો છે. તેને કેમ રોકવામાં આવતો નથી ? કારણ કે ઇઝરાયેલ અન્ય દેશોના સમર્થન પર ભરોસો રાખી શકે છે.” તેણે ખાસ કરીને ફ્રાન્સનો ઉલ્લેખ કરતા કહ્યું કે પેરિસે ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં ઇઝરાયેલને લશ્કરી સાધનોનો પુરવઠો વધાર્યો હતો. માનવાધિકાર જૂથે જણાવ્યું હતું કે ફ્રાન્સે ૨૦૨૫માં ઇઝરાયેલને ૧૯.૮ મિલિયન યુરો (૨૨.૧ મિલિયન ડોલર) મૂલ્યના લશ્કરી સાધનો પૂરા પાડ્યા હતા, જે અગાઉના વર્ષના ૧૬.૧ મિલિયન યુરો કરતાં વધુ હતા. તેણે કહ્યું કે આ આંકડા શસ્ત્રોની નિકાસ અંગે સંસદમાં રજૂ કરાયેલા ફ્રેન્ચ સંરક્ષણ મંત્રાલયના અહેવાલમાંથી લેવામાં આવ્યા છે, અને ઉમેર્યું કે ઉનાળા દરમિયાન ફ્રાન્સમાં આ માહિતી પર ખાસ કોઈનું ધ્યાન ગયું ન હતું. પેલેસ્ટીની સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૩માં ગાઝામાં ઇઝરાયેલના નરસંહારની શરૂઆત થઈ ત્યારથી ૭૪,૨૦૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે અને ૧,૭૫,૨૦૦થી વધુ ઘાયલ થયા છે, જ્યારે આ વિસ્તારના ૯૦% માળખાગત માળખાને નુકસાન થયું છે અથવા તે નાશ પામ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks