‘વફા’ (Wafa)ના અહેવાલ મુજબ, પેલેસ્ટીન મેડિકલ કોમ્પ્લેક્સના પ્રવેશદ્વારોની બહાર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે
(એજન્સી) તા.૧૩
ઇઝરાયેલી દળોએ કબજા હેઠળના વેસ્ટ બેંકમાં અનેક પેલેસ્ટીની બિન-સરકારી સંસ્થાઓ (NGOs)ની ઓફિસો અને પેલેસ્ટીન મેડિકલ કોમ્પ્લેક્સના પ્રાંગણમાં દરોડા પાડ્યા છે. મંગળવારે ઇઝરાયેલી દળોએ રામલ્લાહ શહેરમાં ‘યુનિયન ઓફ પેલેસ્ટીની વિમેન્સ કમિટીઝ’ અને ‘એડામીર પ્રિઝનર સપોર્ટ એન્ડ હ્યુમન રાઇટ્સ એસોસિએશન’ની તપાસ કરી હતી. સત્તાવાર પેલેસ્ટીની સમાચાર એજન્સી ‘વફા’એ અહેવાલ આપ્યો છે કે રામલ્લાહમાં પેલેસ્ટીન મેડિકલ કોમ્પ્લેક્સના પ્રવેશદ્વારોની આસપાસ ઇઝરાયેલી સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ વેસ્ટ બેંકમાં સૌથી મોટી સરકારી તબીબી સુવિધા છે. રામલ્લાહથી અહેવાલ આપતા, અલ જઝીરાના નિદા ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળો ‘એડામીર’ (Addameer) ના સાધનો જપ્ત કરી રહ્યા હતા; આ એક એવી NGO છે જે કેદીઓના અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇબ્રાહિમે કહ્યું, “ઇઝરાયેલી દળો એડામીરની માલિકીના સંકુલમાં દરોડા પાડી રહ્યા છે. આ NGOઅગાઉ પણ ઇઝરાયેલી દળો દ્વારા બંધ કરાવવામાં આવી હતી. ઇઝરાયેલી સેના અને તંત્ર દ્વારા તેને આતંકવાદી સંગઠન માનવામાં આવે છે.” “આ રામલ્લાહના મધ્ય ભાગમાં દિવસે-દહાડે થઈ રહેલી દરોડાની કાર્યવાહી છે, જેના કારણે ભારે ગભરાટ ફેલાયો છે. પેલેસ્ટીની લોકોનાં બાળકો અત્યારે શાળામાં છે, તો અન્ય લોકોના સ્વજનો કામ પર છે. લોકો ચિંતિત છે કારણ કે તેઓ જાણે છે કે ઇઝરાયેલી દળો તેમના પર ગોળીબાર કરી શકે છે. અગાઉ આવું બન્યું પણ છેઃ આ દરોડાનું કવરેજ કરી રહેલા પત્રકારો પર ઇઝરાયેલી દળોએ સ્ટન ગ્રેનેડ છોડ્યા હતા.”