(એજન્સી) તા.૨૯
ઇઝરાયેલી સૈન્યએ શનિવારે જાહેરાત કરી કે, તેણે દક્ષિણ સીરિયામાં હમાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રમુખ અહેમદ મુહમ્મદ ફહદને નિશાન બનાવીને હવાઇ હુમલો કર્યો હતો. ટિ્વટર પર એક નિવેદનમાં ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો કે, ફહદ ગોલાન હાઇટ્સમાં ઇઝરાયેલના લક્ષ્યો પર રોકેટ હુમલા કરવા માટે જવાબદાર હતો. ઇઝરાયેલના દાવા પર હમાસ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. શનિવારની શરૂઆતમાં એક નિવેદનમાં ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો કે, બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં રહેણાંક મકાનની નીચે સ્થિત હિઝબુલ્લાહના કેન્દ્રીય કમાન્ડને નિશાન બનાવતા ઓપરેશન દરમિયાન હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ ‘મૃત્યુ પામ્યા’ હતા. તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવને અવગણતા ગયા ઓકટોબર ૭માં પેલેસ્ટીની સમૂહ હમાસ દ્વારા સીમા પારથી થયેલા હુમલા પછી ઇઝરાયેલે ગાઝા પર ઘાતકી હુમલો ચાલુ રાખ્યો છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ ૪૧,૬૦૦ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે અને ૯૬,૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલના હુમલાને કારણે આ વિસ્તારની લગભગ આખી વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે અને ચાલુ નાકાબંધીને કારણે ખોરાક, શુદ્ધ પાણી અને દવાની તીવ્ર અછત સર્જાઈ છે. ઇઝરાયેલ પર ગાઝામાં તેની ક્રિયાઓ બદલ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારનો પણ આરોપ છે.