ઇઝરાયેલી સેનાએ હેબ્રોન પર ઘેરાબંધી બીજા દિવસે પણ ચાલુ રાખી; વેસ્ટ બેંકમાં ૧૯ પેલેસ્ટીનીઓની ધરપકડ

ઓક્યુપાઈડ (કબજા હેઠળના) વેસ્ટ બેંકમાં લશ્કરી કાર્યવાહી ચાલુ છે; ઇઝરાયેલી દળોએ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા, રહેવાસીઓને તેમના ઘરોમાંથી બહાર નીકળવા મજબૂર કર્યા અને રસ્તાઓ બંધ કરી દીધા

 

(એજન્સી) તા.ર૫
પેલેસ્ટીની મીડિયાના અહેવાલ મુજબ, ઇઝરાયેલી સેનાએ શનિવારે સતત બીજા દિવસે દક્ષિણ વેસ્ટ બેંકના હેબ્રોન શહેર પર પોતાની ઘેરાબંધી ચાલુ રાખી છે, જેના કારણે ડઝનબંધ પેલેસ્ટીનીઓને તેમના ઘર છોડવા પડ્યા છે. પેલેસ્ટીની સમાચાર એજન્સી ‘વફા’ (ઉટ્ઠકટ્ઠ)ના અહેવાલ મુજબ, ઇઝરાયેલી દળોએ હેબ્રોનના મધ્ય ભાગમાં આવેલા અલ-જિલ્દા અને દેર બહા વિસ્તારોમાં દરોડા પાડ્યા અને તેને સંપૂર્ણ રીતે ઘેરી લીધા. સમાચાર એજન્સીએ જણાવ્યું કે, સેનાએ વહેલી સવારે ડઝનબંધ રહેવાસીઓને તેમના ઘરોમાંથી બહાર નીકળવા અને ખુલ્લામાં ઊભા રહેવા માટે મજબૂર કર્યા. ‘વફા’ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દરમિયાન વધારાના લશ્કરી વાહનો અને બુલડોઝર તૈનાત કરવામાં આવ્યા હતા, હેબ્રોન તરફ જતા મુખ્ય પ્રવેશદ્વારો અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, અને શહેરને આસપાસના વિસ્તારોથી અલગ કરી દેવામાં આવ્યું હતું. એજન્સીએ વધુમાં જણાવ્યું કે, ઇઝરાયેલી દળોએ ઘરોમાં ઘૂસીને તપાસ કરી, ડઝનબંધ રહેવાસીઓને અટકાયતમાં લીધા અને શનિવારે સવારે મુક્ત કરતા પહેલા તેમની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત, ઇઝરાયેલી દળોએ કબજા હેઠળના વેસ્ટ બેંકમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને ૧૯ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં બેથલેહેમ ગવર્નોરેટના હિન્દાઝા વિસ્તાર અને અલ-અઝા શરણાર્થી શિબિરના બે પેલેસ્ટીનીઓ, નેબ્લસ ગવર્નોરેટના ૧૬ લોકો અને જેરિકોની અકાબત જબર શરણાર્થી શિબિરના એક યુવાનનો સમાવેશ થાય છે. ઓક્ટોબર ૨૦૨૩માં ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર યુદ્ધ શરૂ કર્યું ત્યારથી, પૂર્વ જેરુસલેમ સહિતના કબજા હેઠળના વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી લશ્કરી હુમલાઓ અને હિંસામાં વધારો જોવા મળ્યો છે. આ હુમલાઓમાં પેલેસ્ટીનીઓની હત્યા અને ધરપકડ, ઘરો અને અન્ય માળખાઓ તોડી પાડવા, મસ્જિદો અને વાહનોને સળગાવી દેવા, તેમજ ખેતીલાયક જમીનને નષ્ટ કરી દેવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખેડૂતોને તેમના ખેતરો સુધી પહોંચવા પર પ્રતિબંધો લાદવા, પેલેસ્ટીની સમુદાયોને વિસ્થાપિત કરવા અને ઇઝરાયેલી વસાહતોનો વિસ્તાર કરવા જેવી કાર્યવાહી પણ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks