ઇઝરાયેલે પેલેસ્ટીની બંધકોને મુક્ત કરવાનું શરૂ કર્યું; લશ્કરે વેસ્ટ બેંકમાં પરિવારો પર ટીયર ગેસ અને રબરની ગોળીઓ છોડી

(એજન્સી) તા.૧૩
યુદ્ધવિરામ કરારના ભાગરૂપે સોમવારે હમાસ દ્વારા તમામ જીવિત ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા પછી ઇઝરાયેલે તેની જેલોમાં બંધ લગભગ ૨૦૦૦ પેલેસ્ટીનીઓને મુક્ત કરવાનું શરૂ કર્યું છે. મુક્ત થયેલા પેલેસ્ટીનીઓને કબજા હેઠળના વેસ્ટ બેંકના ઓફર જેલમાંથી રામલ્લાહ લઈ જતી બસોમાંથી ઉતરતા જ વિશાળ ટોળાએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. હમાસ દ્વારા ૨૦ બચી ગયેલા ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા બાદ યુદ્ધવિરામ કરાર હેઠળ ઇઝરાયેલની ઓફેર જેલમાંથી મુક્ત થયેલા પેલેસ્ટીની કેદીઓને લઈને રામલ્લાહ જવાના રસ્તે અનેક બસો રવાના થઈ હતી. પરિવારના સભ્યો અને મિત્રો તેમના આગમન પર પુરૂષોને ગળે લગાવતા જોવા મળ્યા, જેમાં ઘણા લોકો ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યા હતા. અલ જઝીરાએ અહેવાલ આપ્યો હતો કે, ઇઝરાયેલી દળો ઓફેર જેલની આસપાસ પત્રકારો પર ટીયર ગેસ ફેંકી રહ્યા હતા. અહીં પેલેસ્ટીની કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલી ધ્વજ સાથે એક સશસ્ત્ર વાહને કબજા હેઠળના વેસ્ટ બેંકમાં ઓફેર જેલ નજીક રાહ જોઈ રહેલા પેલેસ્ટીની કેદીઓના પરિવારો પર ટીયર ગેસ અને રબરની ગોળીઓ ચલાવી હતી. યુદ્ધવિરામ કરારના ભાગરૂપે નરસંહાર યુદ્ધ દરમિયાન ગાઝામાંથી અટકાયતમાં લેવામાં આવેલા ૧૭૦૦ લોકો સહિત ૧૯૦૦થી વધુ પેલેસ્ટીનીઓને ઇઝરાયેલ દ્વારા મુક્ત કરવામાં આવશે. જો કે, ઇઝરાયેલે અગ્રણી પેલેસ્ટીની નેતા મારવાન બરઘૌતીને મુક્ત કરવાનો ઇન્કાર કર્યો છે, જેનું નામ મધ્યસ્થીઓ દ્વારા મંજૂર કરાયેલી યાદીમાં હતું.ઇઝરાયેલે પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત ડૉ.હુસમ અબુ સફિયાને મુક્ત કરવાનો પણ ઇન્કાર કર્યો છે, જેમને ડિસેમ્બરમાં લશ્કર દ્વારા બેટ લાહિયામાં કમાલ અદવાન હોસ્પિટલ બંધ કરાવવા દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ગાઝામાં ફિલ્ડ હોસ્પિટલોના ડિરેક્ટર ડૉ.મારવાન અલ હમ્સને પણ મુક્ત કરવામાં આવશે નહીં. પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર જુલાઈમાં એન્કલેવમાં વરિષ્ઠ ડોક્ટરની અટકાયત કરવામાં આવી હતી. સોમવારે ઇઝરાયેલી સેનાએ પુષ્ટિ આપી હતી કે, ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા તમામ જીવંત બંધકોને રેડ ક્રોસની કસ્ટડીમાં મુક્ત કરવામાં આવ્યા છે. રેડ ક્રોસ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર ૧૩ બંધકોને તેમની કસ્ટડીમાં સ્થાળાંતરિત કરવામાં આવ્યા છે અને તેઓ ગાઝા પટ્ટીમાં IDF (લશ્કરી) અને ISA (સુરક્ષા એજન્સી) દળોને મોકલી રહ્યા છે. આ ઇઝરાયેલી બંધકોની સ્થિતિ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. દરમિયાન હમાસે સોમવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ગાઝા યુદ્ધવિરામ કરારના મધ્યસ્થીઓને વિનંતી કરી હતી કે, ઇઝરાયેલ પ્રદેશમાં લશ્કરી કાર્યવાહી ફરી શરૂ ન કરે. હમાસના પ્રવક્તા હાઝેમ કાસેમે એએફપીને જણાવ્યું કે, અમે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનનું સ્વાગત કરીએ છીએ, જેમણે ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના યુદ્ધના અંતની સ્પષ્ટ પુષ્ટિ આપી હતી. અમે બધા મધ્યસ્થી અને આંતરરાષ્ટ્રીય પક્ષોને ઇઝરાયેલના વર્તન પર નજર રાખવા અને ગાઝામાં અમારા લોકો સામે તેના આક્રમણને ફરી શરૂ ન કરે તેની ખાતરી કરવા હાકલ કરીએ છીએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts