યુદ્ધવિરામ હોવા છતાં ઇઝરાયેલ દ્વારા હત્યાઓ ચાલુ રાખવામાં આવતા, બે દિવસથી ઓછા સમયમાં સમગ્ર ગાઝામાં ઇઝરાયેલી હુમલાઓ અને ગોળીબારમાં ૧૩ વર્ષના છોકરા અને ચાર સભ્યોના પરિવાર સહિત ઓછામાં ઓછા ૧૭ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે
(એજન્સી) તા.ર૬
‘કુદ્સ ન્યૂઝ નેટવર્ક’ના અહેવાલ મુજબ, ઇઝરાયેલી દળોએ યુદ્ધવિરામનો અનાદર કરીને હવાઈ હુમલાઓ અને ગોળીબાર ચાલુ રાખતા, ઘેરાયેલી ગાઝા પટ્ટીમાં બે દિવસથી ઓછા સમયમાં ઓછામાં ઓછા ૧૭ પેલેસ્ટીનીઓની હત્યા કરી છે. પેલેસ્ટીની તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, એકલા મંગળવારે જ દક્ષિણમાં ખાન યુનિસ, મધ્ય પટ્ટીમાં વાદી ગાઝા અને ગાઝા સિટી પર થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૦ પેલેસ્ટીનીઓ માર્યા ગયા હતા. ખાન યુનિસની પશ્ચિમમાં આવેલા અલ-મવાસીમાં એક ઇઝરાયેલી ડ્રોને પોલીસ ચોકી પર હુમલો કર્યો, જેમાં ત્રણ પેલેસ્ટીનીઓ માર્યા ગયા, જેમાંથી બે પોલીસ અધિકારીઓ હત અને અન્ય પાંચ ઘાયલ થયા. વાદી ગાઝા વિસ્તાર પર થયેલા અન્ય એક હવાઈ હુમલામાં ત્રણ પેલેસ્ટીની માર્યા ગયા, જેમાં એક બાળક પણ સામેલ હતું. ગાઝાના આંતરિક અને રાષ્ટ્રીય સુરક્ષા મંત્રાલયે પાછળથી પુષ્ટિ કરી હતી કે આંતરિક સુરક્ષા સેવાના નિયામક બ્રિગેડિયર જનરલ નઈમ અબુ નાહલ, જેઓ તે દિવસે માર્યા ગયેલા ત્રીજા પોલીસ અધિકારી હતા, તેઓ શેરીમાં ચાલી રહ્યા હતા ત્યારે ઇઝરાયેલી ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. ગાઝા સિટીમાં ઇઝરાયેલી દળોએ અલ-જલા સ્ટ્રીટ પર ૧૩ વર્ષના ખાલેદ વાલિદ અલ-જમાલની ગોળી મારીને હત્યા કરી હતી. તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. બુધવારે વહેલી સવારે, ગાઝા સિટીમાં એક એપાર્ટમેન્ટ પર થયેલા ઇઝરાયેલી હવાઈ હુમલામાં એક જ પરિવારના ચાર સભ્યોનો નાશ થયોઃ ૪૭ વર્ષીય મોહમ્મદ માજેદ અબુ અલ-ઓફ, તેમની ૪૧ વર્ષીય પત્ની નૌરા અને તેમની પુત્રીઓ ૧૫ વર્ષીય યુસરા અને ૧૩ વર્ષીય જાના. પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે અબુ હમઝા તરીકે ઓળખાતા અબુ અલ-ઓફ ઉત્તરી ગાઝામાં આંતરિક સુરક્ષા સેવાના વડા હતા. હમાસે આ હત્યાને “અમારા લોકો વિરૂદ્ધ નરસંહારના યુદ્ધનું વિસ્તરણ” ગણાવીને વખોડી કાઢી હતી. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “યુદ્ધવિરામ કરાર હોવા છતાં ગાઝામાં સુરક્ષા કર્મચારીઓની કબજાખોરો દ્વારા સતત કરવામાં આવતી હત્યા એ સુરક્ષાને નબળી પાડવાનો અને અરાજકતા ફેલાવવાનો નિર્ધાર છે. “સ્થાનિક અને તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે કલાકો પછી, ગાઝા સિટીના અલ-તવામ વિસ્તારમાં એક તંબુ પર થયેલા ઇઝરાયેલી હુમલામાં ઓસામા અને મોહમ્મદ જૌદા નામના બે ભાઈઓ માર્યા ગયા હતા. એક અલગ હુમલામાં, ઉત્તરી ગાઝાના જબાલિયા શરણાર્થી શિબિરમાં ઇઝરાયેલે તંબુ પર હુમલો કરતા હાઝેમ હમૌદા માર્યો ગયો હતો. ઓક્ટોબર ૨૦૨૫માં અમલમાં આવેલા અને ઇઝરાયેલના નરસંહારને સમાપ્ત કરવાના હેતુથી કરવામાં આવેલા યુદ્ધવિરામ હેઠળ પણ આ હત્યાઓ ચાલુ છે. પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં ૧,૬૭૦થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને ૬,૧૦૦થી વધુ ઘાયલ થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓક્ટોબર ૨૦૨૩માં શરૂ થયેલા ગાઝા પરના ઇઝરાયેલના નરસંહારક યુદ્ધમાં ઓછામાં ઓછા ૭૪,૭૪૬ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે અને ૧,૭૬,૨૩૪થી વધુ ઘાયલ થયા છે.