આગામી અઠવાડિયે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની ઇઝરાયેલ મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવિત હકાલપટ્ટી યોજના મુખ્ય ચર્ચાનો મુદ્દો બનશે એવી ધારણા છે
(એજન્સી) તા.૧૩
ઇઝરાયેલની સુરક્ષા સંસ્થાએ આવતા મહિનાથી ગાઝાના પેલેસ્ટીનના રહેવાસીઓને બળજબરીથી વિસ્થાપિત કરવાની યોજના સરકાર સમક્ષ રજૂ કરી છે. ઇઝરાયેલી ચેનલ ૧૨એ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની આગામી અઠવાડિયે ઇઝરાયેલ મુલાકાત દરમિયાન પ્રસ્તાવિત યોજના મુખ્ય ચર્ચાનો મુદ્દો બનવાની ધારણા છે. આ પ્રસારણકર્તા અનુસાર, તેમની મુલાકાત દરમિયાન, રુબિયો વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સહિત ઇઝરાયેલી અધિકારીઓ સાથે મુલાકાત કરશે, જેથી તેલ અવીવ ગાઝામાંથી “સ્વૈચ્છિક સ્થળાંતર” અંગે જે કહે છે તેની ચર્ચા કરી શકાય. રુબિયો આવતા અઠવાડિયાની શરૂઆતમાં ઇઝરાયેલની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ કબજા હેઠળના પૂર્વ જેરુસલેમના સિલ્વાન પડોશમાં એક ટનલના ઉદ્ઘાટનમાં પણ હાજરી આપશે. ચેનલ ૧૨એ દાવો કર્યો હતો કે “આ સ્થાનાંતરણ યોજના એ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ છે, જેને નેતાન્યાહુ તરફથી જાહેર સમર્થન મળ્યું છે.” જોકે, ઇઝરાયેલી અધિકારીઓને તેની શક્યતા અંગે શંકા છે. ગુરુવારે ઇઝરાયેલ દ્વારા રજૂ કરાયેલી આ યોજના, ઓક્ટોબરથી ગાઝાના રહેવાસીઓને હવાઈ અને સમુદ્ર માર્ગે અહીથી જવાની મંજૂરી આપશે. આ ચેનલે જણાવ્યું હતું કે બળજબરીથી વિસ્થાપિત પેલેસ્ટીની સ્થળાંતર કરનારાઓને સ્વીકારવા અંગે ઘણા દેશો સાથે ચર્ચાઓ ચાલુ છે, પરંતુ કોઈ ઔપચારિક કરાર થયો નથી. આ યોજનાના મુખ્ય સમર્થક, જમણેરી નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચે સરકારી બેઠકમાં કહ્યું હતું કે, “જો ગાઝાના રહેવાસીઓ એક વર્ષની અંદર પાછા ફરે તો મોટી રકમનું રોકાણ કરવાનો કોઈ અર્થ નથી. જો ગાઝામાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન થાય, તો આ બિનજરૂરી છે.” નેતાન્યાહુએ જવાબ આપ્યો કે ઇઝરાયેલ મોટી રકમનું રોકાણ કરશે નહીં પરંતુ તેમને સમાવવા તૈયાર દેશો સાથે વાત કરશે. જમણેરી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામાર બેન-ગ્વિરે આ વિસ્થાપન અંગે કહ્યું કે “અમે હાલમાં આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાનો સામનો કરી રહ્યા છીએ” અને તેને અમલમાં મૂકવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી હતી.