(એજન્સી) તા.ર૭
૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ઇઝરાયેલી દળોના રક્ષણ હેઠળ ઇઝરાયેલીઓએ પેલેસ્ટીનના વેસ્ટ બેંકમાં આવેલા હેબ્રોન શહેરના ‘ઓલ્ડ સિટી’ વિસ્તારમાં દરોડા પાડ્યા. અનાદોલુના અહેવાલ મુજબ, રવિવારે સત્તાવાર પેલેસ્ટિનિયન સમાચાર એજન્સી ‘વફા’ (Wafa) એ જણાવ્યું હતું કે ઇઝરાયેલી અધિકારીઓએ “કબજા હેઠળના વેસ્ટ બેંકમાં સંપૂર્ણ નાકાબંધી” લાગુ કરવાનો અને આ વિસ્તારમાં પ્રવેશતા સરહદી માર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ નાકાબંધી ૩ ઓક્ટોબર, શનિવાર સુધી ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું કે ઇઝરાયેલી સત્તાવાળાઓએ આ પગલાં પાછળનું કારણ યહૂદી તહેવાર ‘સુક્કોટ’ (જેને ‘ફીસ્ટ ઓફ ટેબરનેકલ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે) ને ગણાવ્યું છે. આ પગલાંઓમાં ચેકપોઇન્ટ્સ અને અવરોધો પર કડક લશ્કરી નિયંત્રણોનો સમાવેશ થાય છે, જેનાથી પેલેસ્ટીનીહોની અવરજવર અને પવિત્ર સ્થળો સુધીની તેમની પહોંચ મર્યાદિત બને છે. સમાચાર માધ્યમે જણાવ્યું હતું કે રવિવારે ઇઝરાયેલી દળોએ રામલ્લાહ અને અલ-બિરેહની આસપાસ નિયંત્રણો કડક કર્યા, અનેક રસ્તાઓ અને પ્રવેશદ્વારો બંધ કરી દીધા અને પેલેસ્ટીનીહોને હેરાન કર્યા. સ્થાનિક સૂત્રોને ટાંકીને અહેવાલ આપવામાં આવ્યો છે કે તેમણે તુર્મુસ અય્યા, અબૂદ, નબી સાલેહ, અટારા અને તૈબેહના પ્રવેશદ્વારો પણ બંધ કરી દીધા હતા, તેમજ વાહનોની તપાસ કરવા અને પેલેસ્ટીનીઓના ઓળખપત્રો ચકાસવા માટે યાબ્રૂદ, આઈન સિન્યા અને જાબા ખાતે ચેકપોઇન્ટ્સ સ્થાપિત કર્યા હતા. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઓક્ટોબર ૨૦૨૩માં ગાઝા યુદ્ધ શરૂ થયા ત્યારથી કબજા હેઠળના વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી સૈન્ય અને કબજેદાર દળોના હુમલાઓમાં તીવ્ર વધારો થયો છે. પેલેસ્ટીની સત્તાવાર આંકડાઓ અનુસાર, તે સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ૧,૨૦૬ પેલેસ્ટીનીહો (જેમાં ૨૫૪ બાળકોનો સમાવેશ થાય છે) માર્યા ગયા છે, લગભગ ૧૩,૩૫૦ લોકો ઘાયલ થયા છે અને ૨૪,૬૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.