(એજન્સી) ઈસ્લામાબાદ/કૈરો, તા.૯
પાકિસ્તાન વાયુસેનાના પૂર્વ ડેપ્યુટી ચીફ મોહમ્મદ આર્યને જણાવ્યું છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરાર (ર્સ્ેં)ની સફળતાનો મુખ્ય આધાર બંને દેશોની સરકારો આ શરતોને કેટલી પ્રામાણિકતાથી લાગુ કરે છે તેના પર રહેલો છે. ઇજિપ્તની ‘કૈરો ન્યૂઝ ચેનલ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ દાવો કર્યો હતો. આર્યને સ્પષ્ટ કર્યું હતું કે, પાકિસ્તાન હંમેશા વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે રાજદ્વારી સંબંધોનું સમર્થન કરતું આવ્યું છે,પરંતુ આ વિવાદનો અંત લાવવાની અંતિમ જવાબદારી આ બંને પક્ષોની જ છે.સૈન્ય કાર્યવાહીથી સંકટનો ઉકેલ અશક્ય; ટ્રમ્પના નિવેદનો પર સાવચેતી રાખવી જરૂરી : વાયુસેનાના પૂર્વ ડેપ્યુટી ચીફે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લશ્કરી કાર્યવાહીથી આ સંકટનો ક્યારેય કાયમી ઉકેલ આવી શકે નહીં. ભૂતકાળમાં પણ અમેરિકા દ્વારા ઈરાન પરકરવામાં આવેલા હવાઈ હુમલાઓ કોઈ સ્થાયી પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પ અંગે વિશ્લેષણ : મોહમ્મદ આર્યને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણ અંગે સાવચેતી રાખવાની સલાહ આપતા કહ્યું કે, બદલાતી રાજકીય પરિસ્થિતિઓ અનુસાર ટ્રમ્પના નિર્ણયો ખૂબ ઝડપથી બદલાતા રહે છે. જો ટ્રમ્પ આ સમજૂતીને અમાન્ય પણ જાહેર કરે, તો પણ તે વલણ વાટાઘાટોમાં દબાણ લાવવાની એક રણનીતિ હોઈ શકે છે અને તે ગમે ત્યારે ફરી બદલાઈ શકે છે. ભવિષ્યની મંત્રણાઓમાં ઈરાન પણ પોતાની માગણીઓ પર મક્કમ રહી શકે છે અથવા તો કેટલીક છૂટછાટો આપી શકે છે.વાટાઘાટો જ એકમાત્ર વિકલ્પ; ઈઝરાયેલની ભૂમિકા પર નજર રાખવી જરૂરી : પૂર્વ સૈન્ય અધિકારીના મતે આ વિવાદના ઉકેલ માટે માત્ર અને માત્ર રાજદ્વારી સ્તરે થનારી વાટાઘાટો જ એકમાત્ર યોગ્ય માર્ગ છે. તેમણે રાજદ્વારી માધ્યમો દ્વારા આ સમજૂતી પત્રને સંપૂર્ણપણે લાગુ કરવાની અપીલ કરી હતી. આ સાથે જ તેમણે એક મોટો દાવો કરતા જણાવ્યું કે, આ સંકટ માત્ર અમેરિકા અને ઈરાન પૂરતું મર્યાદિત નથી પરંતુ પ્રદેશના અન્ય કેટલાક દેશો પણ પોતાના અંગત હિતો ખાતર આ કરારને નિષ્ફળ બનાવવા માંગે છે. આર્યને ખાસ કરીને ઈઝરાયેલનું નામ લેતા જણાવ્યું કે, આ પ્રદેશમાં તેના વ્યૂહાત્મક હિતો આ વાટાઘાટોની દિશાને પ્રભાવિત કરી શકે છે, તેથી તેના જેવા અન્ય પ્રાદેશિક દેશોની ગતિવિધિઓ પર પણ બારીકાઈથી નજર રાખવી અત્યંત જરૂરી છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે, આ તેમના વ્યક્તિગત મંતવ્યો છે અને તે પાકિસ્તાન સરકારનું સત્તાવાર વલણ દર્શાવતા નથી.