ઇરાનના સુપ્રીમ લીડરે અરબી સમુદ્રમાંથી ‘દુશ્મન દળો’ને ખદેડી મૂકવાની હાકલ કરી

 

તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે વધતા તણાવ વચ્ચે મોજતબા ખામેનેઈનો મોટો દાવો પર્શિયન ગલ્ફ બાદ હવે અરબી સમુદ્રને પણ વિદેશી સેનાઓથી મુક્ત કરાવવાની ચીમકી

 

 

(એજન્સી) તા.૨૮
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ સોમવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિદેશી ‘દુશ્મન’ દળોને ટૂંક સમયમાં જ અરબી સમુદ્રમાંથી બહાર હાંકી કાઢવામાં આવશે. યુનાઇટેડ સ્ટેટ્‌સ (અમેરિકા) સામે તેહરાનના સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે તેમણે આ નિવેદન આપ્યું છે. ખામેનેઈએ દાવો કર્યો હતો કે, ઈરાની દળોએ દક્ષિણ ઈરાન નજીકના દરિયાઈ વિસ્તારમાંથી દુશ્મન દળોને પર્સિયન ગલ્ફમાંથી અરબી સમુદ્ર તરફ પીછેહઠ કરવા માટે મજબૂર કરી દીધા છે. પોતાના ટેલિગ્રામ ચેનલ પર જાહેર કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું, ‘દુશ્મન દળો પર્સિયન ગલ્ફમાં પ્રવેશવાની હિંમત દર્શાવી શકતા નથી.’ આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, ખૂબ જ ટૂંક સમયમાં અરબી સમુદ્રને પણ આ દળોથી સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પ્રદેશમાં યુએસ (US) લશ્કરી કામગીરી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (ર્ૐદ્બિેડ જીંટ્ઠિ) પર ઈરાન દ્વારા મૂકવામાં આવી રહેલા નિયંત્રણોને કારણે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે ભૌગોલિક-રાજકીય તણાવ ચરમસીમા પર છે. ઈરાને પાડોશી દેશોને પણ ચેતવણી આપી છે કે, સંઘર્ષ દરમિયાન અમેરિકાને પોતાના વિસ્તાર કે લશ્કરી સુવિધાઓનો ઉપયોગ કરવા દેવો નહીં. ખામેનેઈએ અગાઉ પણ આ ક્ષેત્રના દેશોમાંથી અમેરિકી સૈન્ય મથકો હટાવવાની માંગ કરી ચૂક્યા છે. બીજી તરફ, ઈરાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે, જો આ સંઘર્ષ વકરશે તો તે પર્સિયન ગલ્ફ અને રેડ સી (લાલ સમુદ્ર) સુધી સીમિત નહીં રહે. ખામેનેઈના સલાહકાર યહ્યા રહીમ સફાવીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, જો યુનાઇટેડ સ્ટેટ્‌સ વધુ હુમલા કરશે તો આ જંગ હિંદ મહાસાગર સુધી વિસ્તરી શકે છે. મુખ્ય દરિયાઈ માર્ગો અને ડિએગો ગાર્સિયા ખાતેના યુએસ-બ્રિટિશ લશ્કરી મથકની નિકટતાને કારણે હિંદ મહાસાગર હાલ આ સંઘર્ષમાં અત્યંત મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલમાં પણ ઈરાન અને અમેરિકા વચ્ચે વિવાદનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડતો આ સાંકડો દરિયાઈ માર્ગ વૈશ્વિક તેલના પરિવહન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સંઘર્ષ દરમિયાન ઈરાને આ માર્ગ પરથી શિપિંગ પર નિયંત્રણો મૂકવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે વોશિંગ્ટને આંતરરાષ્ટ્રીય જહાજો માટે કોઈ પણ અવરોધ વિનાના માર્ગની માંગ કરી છે. જો કે, ખામેનેઈએ પોતાના નિવેદનમાં એ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ કયા ચોક્કસ દળોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, કે પછી ઈરાની દળોએ કયા ઓપરેશન હેઠળ તેમને અરબી સમુદ્ર તરફ ધકેલી દીધા તેની કોઈ વિગતો આપી ન હતી. ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સતત વધી રહેલી આ ખેંચતાણને કારણે સમગ્ર પ્રદેશમાં એક મોટા યુદ્ધની આશંકાઓ અને ચિંતાઓ વધી ગઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks