‘ઇસ્લામમાં હિજાબ ફરજિયાત છે’ : મુસ્લિમ વિદ્વાનોએ અલ્હાબાદ હાઇકોર્ટને તેના ચુકાદાની સમીક્ષા કરવાની માંગ કરી

 

 

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
મુસ્લિમ વિદ્વાનો અને વિવિધ સંગઠનોના વડાઓએ મંગળવારે અલ્હાબાદ હાઇકોર્ટને સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ પહેરવા અંગેના તેના ચુકાદા પર પુનર્વિચાર કરવા વિનંતી કરતા કહ્યું કે, ઇસ્લામમાં માથું ઢાંકવું એ ‘ફરજિયાત’ છે. અલહાબાદ હાઇકોર્ટે તાજેતરના ચુકાદામાં એક સગીર વિદ્યાર્થીની દ્વારા ખાનગી સીબીએસઈ સંલગ્ન શાળામાં નિર્ધારિત ગણવેશ સાથે હેડસ્કાર્ફ (હિજાબ) પહેરવાની વિનંતીને નકારી કાઢી છે. આ અરજી પ્રયાગરાજની એક ખાનગી શાળાની એક સગીર છોકરી અને વિદ્યાર્થી દ્વારા દાખલ કરવામાં આવી હતી. છોકરીએ હાઇસ્કૂલ પાસ કરી છે અને તે જ સંસ્થામાં ધોરણ-ઠૈંમાં પ્રવેશ મેળવવા માંગે છે. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીને વ્યક્તિગત પસંદગીઓ અનુસાર શૈક્ષણિક સંસ્થા દ્વારા નિર્ધારિત ડ્રેસ કોડમાં ફેરફાર કરવાનો અધિકાર નથી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરૈલવીએ જણાવ્યું હતું કે, સ્કૂલ યુનિફોર્મ કોડ અને હિજાબ અલગ બાબતો છે અને તેને એકસાથે ન જોવી જોઈએ. શાળાની સીમામાં, સંસ્થાના નિયમોનું પાલન કરવું જોઈએ. જ્યાં સુધી હિજાબ પહેરવાનો સવાલ છે… કુર્આનમાં તેનો ઉપયોગ સ્પષ્ટપણે ઉલ્લેખ છે. હું વકીલ અને ન્યાયાધીશોને વિનંતી કરીશ કે કૃપા કરીને કુર્આન, હદીસ (અને અન્ય ધાર્મિક ગ્રંથો)નો સંદર્ભ લો, જ્યાંથી તેઓ ઇસ્લામિક પ્રથાઓ વિશે જાણી શકશે. ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ કહ્યું કેઃ ‘અમારૂં માનવું છે કે, હિજાબ અંગે કોર્ટના નિર્ણયની સમીક્ષા અને પુનર્વિચાર કરવાની જરૂર છે. કુર્આન અને હદીસ અનુસાર ‘હિજાબ’ ઇસ્લામનો અભિન્ન ભાગ છે. અમારૂં માનવું છે કે, જે છોકરીઓ સ્કાર્ફ અથવા હિજાબ પહેરીને શાળાએ જવા માંગે છે, તેમને રોકવી ન જોઈએ. જ્યાં સુધી સ્કૂલ યુનિફોર્મનો સવાલ છે, જો તેઓ તે શાળામાં અભ્યાસ કરવા માંગતી હોય તો દરેક વ્યક્તિએ યુનિફોર્મ પહેરવો જોઈએ. જોકે, યુનિફોર્મ સાથે સ્કાર્ફ અથવા હિજાબ પહેરવાની મંજૂરી હોવી જોઈએ… અન્ય ધર્મના લોકો પણ તેમના ધર્મ અનુસાર અમુક વસ્તુઓ પહેરે છે, જેનાથી કોઈને કોઈ વાંધો નથી. શિયા મરકઝી ચાંદ સમિતિના પ્રમુખ, મૌલાના સૈફ અબ્બાસ નકવીએ પણ કહ્યું કેઃ “અમને ડ્રેસ કોડ સામે વાંધો નથી. દરેક શાળામાં નિર્ધારિત યુનિફોર્મ હોય છે અને વિદ્યાર્થીઓએ તે પહેરવો જોઈએ. જો કોઈ છોકરી હિજાબ અથવા હેડસ્કાર્ફ પહેરવાની પરવાનગી માંગે છે-તો મારૂં માનવું છે કે, પરવાનગી મળવી જોઈએ. જોકે, ધ્યાનમાં લેવાનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે, અલ્હાબાદ હાઈકોર્ટનું એવું અવલોકન કે હિજાબ ઇસ્લામનો આવશ્યક ભાગ નથી તે યોગ્ય નથી. કુર્આન અનુસાર, ઇસ્લામમાં હિજાબ ફરજિયાત છે. છતાં, જો ૧૦-૨૫ ટકા મહિલાઓ હિજાબ પહેરતી નથી, તો અમે તેમને ઇસ્લામના ક્ષેત્રમાંથી બહાર કાઢી શકતા નથી.” મૌલાના અબ્બાસે જણાવ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી જોઈએ. ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના યાસુબ અબ્બાસે કહ્યું કેઃ “ઈસ્લામમાં હિજાબ ફરજિયાત છે અને ભારતમાં દરેક ધર્મ અને આસ્થાના લોકો રહે છે. પ્રશ્ન એ છે કે, જો કોઈ છોકરી સ્કાર્ફ પહેરીને શાળાએ જવા માંગે છે, તો મારા મતે, તેને આમ કરવાથી સંપૂર્ણપણે રોકવી એ ખોટું છે અને કોર્ટે ફરી એકવાર તેના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ. તેમણે બંધારણનો ઉલ્લેખ કરીને નોંધ્યું કે તે દરેક ધર્મને સમાન અધિકાર આપે છે. મૌલાના સાજિદ રશીદીએ હિજાબ પર અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને “વ્યક્તિની પસંદગીની સ્વતંત્રતા પર હુમલો” ગણાવ્યો છે. તેમણે ટિપ્પણી કરી કે કોર્ટે ધાર્મિક બાબતો પર ટિપ્પણી કરવાને બદલે પેન્ડિંગ કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમાં મહિલાઓના છૂટાછેડા સંબંધિત કેસોનો પણ સમાવેશ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks