ઈઝરાયેલી સેનાએ વેસ્ટ બેંકમાં ૩૦થી વધુ પેલેસ્ટીનીઓના અપહરણ કરી, ઘર તોડી પાડ્યાં

(એજન્સી)                                 તા.૪

ઈઝરાયેલી સેનાએ હસ્તક્ષેપ કરાયેલા વેસ્ટ બેંકમાં મધરાત્રે દરોડા પાડી બાળકો સહિત ૩૦થી વધુ પોલેસ્ટીની નાગરિકોના અપહરણ કર્યા હતા. એટલું જ નહિ તેમણે પેલેસ્ટીનીઓના ઘરોને પણ તોડી પાડ્યા હતા. ઈઝરાયેલી સૈનિકોએ મધરાત્રે બાલાતાહ શરણાર્થી કેમ્પ, બૈતર ફાજાર , ઐડા શરણાર્થી કેમ્પ, સિલ્વાડ સહિતની જગ્યાઓ પર હુમલા કર્યા હતા. વેસ્ટ બેંક અને જેનીન પાસે આવેલા કેટલાક શહેરોને પણ નિશાનો બનાવાયા હતા. ઈઝરાયેલી સેનાએ જાહેરાત કરતા જણાવ્યું કે તેમણે વેસ્ટ બેંકના વિવિધ વિસ્તારોમાંથી ૩૪ પેલેસ્ટીનીઓની ધરપકડ કરી હતી.

પાછલા કેટલાક મહિનામાં ઈઝરાયેલી સેના દ્વારા વેસ્ટ બેંકમાં પેલેસ્ટીનીઓના ઘરે દરોડા પાડી તેમની અટકાયત કરવાની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કારણ વગર અટકાયત કરાયેલા પેલેસ્ટીનીઓને ઈઝરાયેલી કારાવાસ પણ મોકલી દેવામાં આવે છે. પેલેસ્ટીન કેદી સમૂહના વડા અદ્દામિરે જણાવ્યું કે હાલમાં ઈઝરાયેલની જેલમાં ૭૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓ કારાવાસમાં જીવન નિર્વાહ કરવા માટે મજબૂર બન્યા છે. પેલેસ્ટીનના ૭ જેટલા સાંસદોની પણ ઈઝરાયેલ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પેલેસ્ટીન કાયદાકીય કાઉન્સિલના ત્રણ સભ્યોની પણ વહીવટી અટકાયત કરવામાં આવી છે. ઈઝરાયેલ વહીવટી અટકાયતના નામે કોઈપણ કારણ વગર લોકોની અટકાયત કરે છે અને તેને ૬ મહિના સુધી જેલમાં રાખી શકે છે, પરતું ઈઝરાયેલ અટકાયતને વારંવાર રિન્યૂ કરે છે. કેટલાક કેદીઓએ તો વહીવટી અટકાયતના નામે ૧૧ વર્ષથી વધુ સમય સુધી કારાવાસની સજા ભોગવી છે. વેસ્ટ બેંકના નેબ્લસ પાસે આવેલા ખિરબીત તાનામાં ઈઝરાયેલે સેનાના વાહનો અને બુલડોઝરની મદદથી પેલેસ્ટીનીઓના રહેણાંક મકાનો તોડી પાડ્યા હતા. ઈઝરાયેલ દ્વારા હુમલા કરવામાં આવે છે જેમાં શાળાઓ, રહેણાંક ઈમારતો, અને અન્ય મકાનોને ભારે નુકસાન થાય છે. વેસ્ટ બેંકમાં પેલેસ્ટીનીઓના ઘર તોડી પાડવાની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૧૫માં કુલ તોડી પાડેલા મોકાનોની સંખ્યા ૨૦૧૬ના જુન મહિનામાં જ પાર થઈ ગઈ હતી.  સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે ૨૦૧૬માં હસ્તક્ષેપ વિસ્તારોમાં ઈઝરાયેલે ૧૩૮૩ પેલેસ્ટીની ઘર તોડી પાડ્યા હતા. જ્યારે ૨૦૧૫માં ૬૮૮ ઘરોનો ભોગ લેવાયો હતો. ઈઝરાયેલ હસ્તક્ષેપ વિસ્તારોમાં પેલેસ્ટીનીઓને રહેવાં માટે ભાગ્યે જ પરવાનગી આપે છે, બાદમાં જો કોઈ ઘર સ્થાપે તો ગેરકાયદેસર બાંધકામના નામે તોડી પાડવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષમાં હસ્તક્ષેપ વિસ્તારોમાં ૧૧૦૦૦થી વધુ ઈઝરાયેલીઓના ઘર બાંધવામાં આવ્યા છે. ૧૯૬૭ બાદ હસ્તક્ષેપ વેસ્ટ બેંક અને પૂર્વ જેરૂસલેમના ૨૩૦ વસાહતોમાં ૫ લાખથી વધુ ઈઝરાયેલીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ઈઝરાયેલી બાંધકામો ગેરકાયદેસર છે. તેલ અવીવે હસ્તક્ષેપ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અટકાવવાની માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts