(એજન્સી) તા.૨૨
યુનાઈટેડ નેશન્સે ગુરૂવારે અહેવાલ આપ્યો છે કે, કબજાવાળા વેસ્ટ બેંકમા ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટીની બાળકોની હત્યા “ત્રણ ગણી” વધી છે. પ્રવક્તા સ્ટીફન ડુજારિકે એક પ્રેસ કોન્ફરન્સમાં સંકેત આપ્યો કે “વેસ્ટ બેંકમાં બગડતી પરિસ્થિતિનો ભોગ બાળકો ભોગવી રહ્યા છ”, વધુમાં ઉમેર્યું કે “ગયા વર્ષે ૭ ઓકટોબરથી, વેસ્ટ બેંકમાં દર અઠવાડિયે સરેરાશ ચાર પેલેસ્ટીની બાળકો મૃત્યુ પામ્યા છે-“જે ૨૦૨૩ના પ્રથમ નવ મહિનાની તુલનામાં ત્રણ ગણો વધારો દર્શાવે છે.” તેમણે અધિકૃત વેસ્ટ બેંકમાં ગેરકાયદેસર ઇઝરાયેલી ઇમિગ્રન્ટ્સ દ્વારા હિંસાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે આ હિંસાને કારણે પેલેસ્ટીની બાળકો વિસ્થાપિત થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “બેદુઈન અને પશુપાલન સમુદાયોમાં વસાહતી હિંસા, ધાકધમકી અને ઉત્પીડન દ્વારા વિસ્થાપિત ૧,૭૦૦ થી વધુ પેલેસ્ટિનિયનોમાંથી લગભગ અડધા બાળકો હતા. પાછલા કેટલાક વર્ષોમાં ઇઝરાયેલી સૈન્યએ કબજાવાળા વેસ્ટ બેંકમાં નિયમિત દરોડા પાડ્યા હતા, જે ૭ ઓકટોબર ૨૦૨૩ ના રોજ ગાઝા પટ્ટીમાં આક્રમણની શરૂઆત સાથે વધ્યા હતા. ગેરકાયદેસર ઇઝરાયેલ વસાહતીઓ દ્વારા પેલેસ્ટીની પણ હિંસક હુમલાઓનો ભોગ બન્યા છે. પેલેસ્ટીનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કબજા હેઠળના વિસ્તારમાં ઈઝરાયેલી સેનાના ગોળીબારમાં અત્યાર સુધીમાં લગભગ ૭૯૫ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે અને ૬,૪૫૦થી વધુ ઘાયલ થયા છે. જુલાઈમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પેલેસ્ટીની જમીનો પર ઈઝરાયેલના દાયકાઓથી ચાલતા કબજાને “ગેરકાયદેસર” જાહેર કરતો સીમાચિહ્નરૂપ સલાહકાર અભિપ્રાય જારી કર્યો હતો અને વેસ્ટ બેંક અને પૂર્વ જેરૂસલેમમાં હાલની તમામ વસાહતોને ખાલી કરાવવાની માગણી કરી હતી.