(એજન્સી) તા.૧
માત્ર ૧૨ કલાકના ગાળામાં ઈરાનના બે સાથી કમાન્ડરોની ઉચ્ચ સ્તરીય હત્યાઓ પછી એ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગાઝામાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ઝડપથી મધ્ય પૂર્વમાં વ્યાપક પ્રાદેશિક સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેહરાનમાં ઇસ્માઇલ હનીયેહ અને બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરની હત્યા એ ઇઝરાયેલ દ્વારા એ બતાવવાનો પ્રયાસ હતો કે તે કોઈપણને, ગમે ત્યાં મારી શકે છે.
ઇઝરાયેલે હનીયેહની હત્યામાં તેની કોઈપણ ભૂમિકાનો ઇનકાર કર્યો છે, પણ તેણે બેરૂતમાં હવાઈ હુમલાની જવાબદારી લીધી હતી જેમાં ફુઆદની હત્યા થઈ હતી. જો કે, એક યુએસ અધિકારીએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે તે માને છે કે હનીયેહ અને ફુઆદ બંને ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા.
ઈઝરાયેલે પેલેસ્ટીની સંગઠન દ્વારા ૭ ઓક્ટોબરના હુમલાના પગલે હમાસના તમામ નેતાઓને ખતમ કરવાનું વચન આપ્યું હતું. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જાહેરમાં કહ્યું હતું કે તેમણે ગુપ્તચર એજન્સી મોસાદને હમાસ નેતાઓ જ્યાં પણ હોય ત્યાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. મધ્ય પૂર્વમાં વ્યાપક યુદ્ધની આશંકા સંપૂર્ણપણે નિરાધાર નથી. હનીયેહની હત્યા હમાસ માટે માત્ર એક મોટો ફટકો નથી, પરંતુ ઇઝરાયેલના કટ્ટર દુશ્મન ઈરાન માટે પણ એક મોટી ખોટ છે.
ઈરાને તેના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયનના ઉદ્ઘાટન સમારોહમાં શક્તિશાળી પ્રાદેશિક લશ્કરો સાથેનું જોડાણ બતાવવાનો પ્રયાસ કર્યાના એક દિવસ પછી તેહરાનમાં હનીયેહની હત્યા કરવામાં આવી હતી. માત્ર હમાસના પ્રતિનિધિઓ જ નહીં, પરંતુ પેલેસ્ટીની ઇસ્લામિક જેહાદ, યમનના હૌથી અને લેબેનોનના હિઝબુલ્લાના ટોચના નેતાઓ ઇઝરાયેલ વિરુદ્ધ તેહરાનમાં એકઠા થયા હતા. પરંતુ બીજા દિવસે સૂર્ય ઉગે તે પહેલા જ, હનીયેહની તેના તેહરાનના નિવાસસ્થાન પરના હવાઈ હુમલામાં હત્યા કરવામાં આવી અને હમાસે જણાવ્યું હતું કે “ઇઝરાયેલ” હુમલામાં હનીહની હત્યા કરવામાં આવી હતી.
ઈરાને પણ બદલો લેવાની ધમકી આપી છે, સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈએ કહ્યું કે હનીયેહની હત્યાનો બદલો લેવો એ તેહરાનની ફરજ છે. આ હત્યા પહેલા હિઝબુલ્લાહના એક કમાન્ડર હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઇઝરાયેલી સૈન્યએ બેરૂતમાં હવાઈ હુમલામાં ટોચના હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરને માર્યા ગયાના થોડા કલાકો બાદ હનીયેહની હત્યા થઈ હતી. હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાં હુમલો થતાં ૧૨ બાળકો માર્યા ગયા હતા. ગાઝામાં યુદ્ધવિરામની માગણી કરનાર હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલમાં મિસાઈલ અને મોર્ટાર ફાયર કરીને હમાસને ટેકો આપ્યો છે.
૧૯૮૩માં બેરુતમાં યુએસ મરીન બેરેક પર બોમ્બ ધડાકામાં તેની ભૂમિકા માટે પણ તે અમેરિકા માટે વોન્ટેડ હતો. અમેરિકાએ તેના અને તેના ઠેકાણા વિશે માહિતી આપનાર માટે ઇં૫ મિલિયનનું ઈનામ જાહેર કર્યું હતું. હમાસના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ હજુ પણ ગાઝામાં હોવાનું માનવામાં આવે છે, જેમાં યાહ્યા સિનવારનો સમાવેશ થાય છે, જે સંગઠનના ટોચના કમાન્ડર છે.