(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ઈરાકના મોસૂલ શહેરમાં આઈએસના હાથે માર્યાં ગયેલા ૩૮ ભારતીયોના મૃતદેહો લઈને એક વિશેષ વિમાન અમૃતસર પહોંચ્યું તેવી સરકારે જાહેરાત કરી. વિદેશ રાજ્ય મંત્રી રવિવારે આ ભારતીયોના શબને લેવા માટે ઈરાક ગયાં હતા. ઈરાકમા માર્યાં ગયેલા ૩૯ ભારતીયોમાં મોટાભાગના કામદારો અને મજૂરો હતા જેમાંથી ૨૭ પંજાબ અને ચાર બિહારના હતા. અમૃતસરમાં સિંહે પત્રકારોને કહ્યું કે પીડિતોની શોધખોળ માટે તથા તેમના પાર્થિવ અવશેષોને બહાર કાઢવામાં સહાય કરનાર ઈરાકી સત્તાવાળાઓના અમે આભારી છીએ. લાપત્તા બનેલા ભારતીયો વિશે જાણકારી મેળવવામાં ભારત સરકાર થાય તેટલું બધું કરી છૂટી છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ઘણી મુશ્કેલી બાદ મૃતકોના ડીએનએ સેમ્પલો મેચ થયાં. આ ઘણું કપરૂ કામ હતું. ભારત સરકાર દ્વારા કોઈ કસર રાખવામાં નથી આવી. હું ચાર વખત ઈરાક ગયો છું. તે પછી ભારતીયોનો અવશેષો લાવી શકાયાં છે. સિંહે કહ્યું કે હું પહેલી વાર ૧૧ જુલાઈના રોજ ઈરાક ગયો. તે સમયે ત્યાં યુદ્ધ પૂરુ થયુ નહોતું. તે સમયે મને જે માહિતી મળી તે લઈને હું ભારત આવ્યો. વીકે સિંહ મોસુલમાં આઈએસને હાથે માર્યાં ગયેલા ૩૯ ભારતીયોના મૃતદેહો લેવા રવિવારે ઈરાક રવાના થયાં હતા. કુલ ૩૯ ભારતીયો માર્યાં ગયાં છે. પરંતુ એક ભારતીયનો ડીએનએ મેચ ન થતાં ત્યાંથી મંજૂરી નથી મળી. સિંહે કહ્યું કે મૃતક ભારતીયોના શબ લેવા હું ઈરાક રવાના થઈ રહ્યો છું. ઈરાકથી પરત આવ્યા બાદ પહેલા અમૃતસર, પછી કોલકત્તા અને ત્યાર બાદ પટણા જઈને પરિજનોને શબ સોપીશ. તેમણે કહ્યું કે આપણને એક વ્યક્તિનો મૃતદેહ નહીં મળે કારણ કે ત્યાંથી મંજૂરી મળી નથી. અમે તેમના પરિવારને પુરાવાઓ સાથે કોફીન સોંપી દઈશું. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. વીકે સિંહે સોમવાર ઈરાકના મોસુલમાંથી આઈએસનો સફાયો થઈ ગયો હતો. તેની જાહેરાત થયાંના બીજા દિવસે વીકે સિંહ મોસુલ ગયાં હતા. તેમણે ત્યાં ભારતીયોની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જોકે કોઈ સફળતા હાથ લાગી નહોતી. ત્યાર બાદ એક વ્યક્તિએ સિંહને માહિતી આપી હતી કે બદૂશ શહેરમાં એક ટેકરા પર ભારતીયોના શબને દફનાવવામાં આવ્યાં છે.