પ્રાદેશિક એકતા જ બાહ્ય પડકારોનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ : અબ્બાસ અરાઘચી
(એજન્સી) તેહરાન / બગદાદ, તા.૮
મુસ્લિમ દેશોએ અન્ય પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવું પડશે અને પ્રાદેશિક એકતાને મજબૂત કરવી પડશે તેવો મક્કમ સૂર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઉચ્ચાર્યો છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રાદેશિક દેશો વચ્ચેની એકતા જ બાહ્ય ધમકીઓ અને પડકારો સામે રક્ષણ મેળવવાનો સૌથી સારો માર્ગ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર એક પોસ્ટ શેર કરતા અરાઘચીએ જણાવ્યું હતું કે, ઈરાનના સશસ્ત્ર દળોએ વિશ્વની સૌથી મોંઘી સૈન્ય શક્તિ સામે પોતાની “તૈયારી, ક્ષમતા અને સામર્થ્ય” સાબિત કરી બતાવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “જ્યારે મુસ્લિમો એકજૂથ થાય છે, ત્યારે આપણે બહારના દુષ્ટ તત્વોના દરેક પડકારનો સામનો સામસામે કરી શકીએ છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે ફક્ત પોતાના પર જ નિર્ભર રહીએ અને સાચા બંધુત્વને અપનાવીએ.” ઈરાની અધિકારીઓ દ્વારા સતત એ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે કે પ્રાદેશિક સુરક્ષા વ્યવસ્થા વિદેશી શક્તિઓના બદલે માત્ર ક્ષેત્રીય દેશો દ્વારા જ સંભાળવામાં આવવી જોઈએ. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ પણ જણાવ્યું હતું કે ગલ્ફ (અખાતી) દેશો હવે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ વિસ્તારની સુરક્ષા સ્થાનિક દેશો દ્વારા જ સુનિશ્ચિત થવી જોઈએ. તેમણે ઉમેર્યું કે અખાતી દેશોના નેતાઓએ નવા પ્રાદેશિક સંવાદ માટે રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવી છે અને જો શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થશે તો ગલ્ફ વિદેશ મંત્રીઓની પ્રસ્તાવિત બેઠક દ્વારા આ પ્રક્રિયા આગળ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલ અને યુએસ દ્વારા ઈરાનના સૈન્ય, પરમાણુ અને ઉર્જા માળખા પર સંયુક્ત હુમલા કરવામાં આવ્યા બાદ ક્ષેત્રીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. તેના જવાબમાં ઈરાને સમગ્ર વિસ્તારમાં ઈઝરાયેલ અને યુએસના લક્ષ્યાંકો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ત્યારબાદ ૧૮ જૂને પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતાથી ઈરાન અને યુએસ વચ્ચે કરાર થતાં સક્રિય યુદ્ધનો અંત આવ્યો હતો અને આખરી સમાધાન માટે વાટાઘાટો શરૂ થઈ હતી. જોકે, હોર્મુઝની સામુદ્રધુનીમાં દરિયાઈ સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતાના વિવાદોને કારણે આ વાટાઘાટો હાલ અટકેલી છે. બીજી તરફ, આ ક્ષેત્રમાં મોટી રાજકીય હલચલ જોવા મળી છે. તુર્કી, સઉદી અરેબિયા અને પાકિસ્તાને મક્કા ખાતે એક સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઐતિહાસિક કરાર મુજબ, “ત્રણમાંથી કોઈ પણ એક દેશ પર થનારો સશસ્ત્ર હુમલો એ ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવશે.”