ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો; હોર્મુઝની ખાડી બંધ રાખવાની જાહેરાત
(એજન્સી) તેહરાન, તા.૨૪
ઈરાને તેના પાડોશી દેશોને અમેરિકાના ‘આર્થિક યુદ્ધ’માં સામેલ થવા સામે ગંભીર ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જો પડોશી દેશો વોશિંગ્ટનનો સાથ આપશે, તો તેમના હિતોને નિશાન બનાવવામાં આવશે અને પર્સિયન ગલ્ફમાંથી તેલની નિકાસ અટકાવી દેવામાં આવશે. સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસિન રેઝાઈએ સ્ટેટ બ્રોડકાસ્ટર ૈંઇૈંમ્ને ટાંકીને જણાવ્યું હતું કે, ‘અમે તમામ પડોશી દેશોને કહીએ છીએ કે અમેરિકાના આર્થિક યુદ્ધમાં ભાગ ન લો, નહીંતર અમે તેમને શત્રુ ગણીશું.’ તેમણે ઉમેર્યું હતું કે, ઈરાન યુદ્ધ વિસ્તારવા માંગતું નથી, પરંતુ જો આસપાસના દેશો અમેરિકા સાથે જોડાશે તો ઈરાન તેમના હિતો પર હુમલો કરશે. મોહસિન રેઝાઈએ વધુમાં ચેતવણી આપી હતી કે, જો પડોશી દેશો આ અભિયાનમાં સહકાર આપશે, તો ‘પર્સિયન ગલ્ફ કે હોર્મુઝની ખાડીમાંથી એક પણ ટીપું તેલ બહાર જવા દેવામાં આવશે નહીં.’ ગલ્ફમાંથી તેલ નિકાસ કરવા માટે વપરાતા અન્ય માર્ગોને પણ નિશાન બનાવવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે, જો યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ કોઈ પગલાં લેશે, તો ઈરાન ભૂકંપ જેવી પ્રચંડ તાકાતથી તેનો જવાબ આપશે. અમેરિકાના દાવાઓથી વિપરીત, રેઝાઈએ પુષ્ટિ કરી છે કે, હોર્મુઝની ખાડી હજુ પણ બંધ છે અને જ્યાં સુધી વોશિંગ્ટન તેનું વલણ નહીં સુધારે ત્યાં સુધી તે ખુલ્લી મૂકવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ વખતે યુનાઇટેડે સ્ટેટ્સે પહેલા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવી પડશે. ઈરાન ગલ્ફ દરિયાકાંઠાના ૫૦ ટકાથી વધુ વિસ્તાર ધરાવે છે, તેથી હોર્મુઝની ખાડીનું સંચાલન તેણે જ કરવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયે કોઈપણ દેશ સામે અત્યાર સુધીનું ‘સૌથી મોટું આર્થિક અભિયાન’ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેમાં ઈરાન વિરૂદ્ધ મહત્તમ દબાણની ઝુંબેશને અભૂતપૂર્વ સ્તરે ‘આર્થિક યુદ્ધ અને આઈસોલેશન’ તરીકે વર્ણવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં શરૂ થયેલી શત્રુતાનો અંત લાવવા માટે પાકિસ્તાની અને કતારી મધ્યસ્થી દ્વારા જૂનમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે, સમજૂતીના અમલીકરણ અને વૈશ્વિક તેલ-ગેસ નિકાસ માટેના મુખ્ય માર્ગ એવા હોર્મુઝની ખાડીમાંથી નેવિગેશન અંગેના વિવાદોને કારણે હાલમાં વાટાઘાટો ઠપ થઈ ગઈ છે.