અમેરિકી સૈનિકોને મારવા અથવા પકડવા પર ઈનામની જાહેરાત સાથે ઈરાને પોતાની રણનીતિ સ્પષ્ટ કરી
(એજન્સી) તેહરાન, તા.રર
ઈરાની સેનાએ શનિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેમની સૈન્ય નીતિ (મિલિટરી ડૉક્ટ્રાઇન) હવે “રક્ષણાત્મક” (ડિફેન્સિવ)માંથી બદલીને “આક્રમક” (ઓફેન્સિવ) કરવામાં આવી રહી છે. તાજેતરના યુદ્ધોમાંથી મળેલા અનુભવો અને પાઠના આધારે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.ઈરાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ રાજ્ય સમાચાર એજન્સી IRNA સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બદલાવ ધીમે-ધીમે ૧૨-દિવસીય અને ૪૦-દિવસીય યુદ્ધો દરમિયાન થયો છે. અગાઉ આપણી સૈન્ય નીતિ સંપૂર્ણપણે રક્ષણાત્મક હતી, પરંતુ આ યુદ્ધો દરમિયાન તેમાંથી બહાર આવીને આક્રમક રૂખ તરફ આગળ વધી છે. અકરામિનિયાએ સ્પષ્ટતા કરી હતી કે આક્રમક નીતિનો અર્થ હંમેશાં અગાઉથી હુમલો કરવાનો (પ્રી-એમ્પ્ટિવ ઓપરેશન) નથી હોતો. જો કે, યુદ્ધ દરમિયાન ઈરાને અમેરિકાના પ્રવેશ પહેલાં જર્ડનમાં આવેલા એક અમેરિકી મથક પર હુમલો કરીને આ પ્રકારની રણનીતિ અપનાવી હતી, જેનાથી અમેરિકી સાધનો અને જવાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ નવી નીતિ હેઠળ દુશ્મનના કોઈપણ હુમલાનો ત્વરિત અને શરૂઆતની કાર્યવાહી કરતાં પણ વધુ વ્યાપક જવાબ આપવામાં આવશે.આ ઉપરાંત, સેના દ્વારા એક ખાસ યોજના પણ બનાવવામાં આવી છે, જે અંતર્ગત જો કોઈ જમીની ઘૂસણખોરી થાય તો અમેરિકી સૈનિકોને મોતને ઘાટ ઉતારવા અથવા પકડવા પર નાણાકીયઈનામ આપવામાં આવશે. આ યોજના મુજબ, સૈન્ય જવાનો અથવા લાયસન્સ ધરાવતા હથિયાર રાખનાર નાગરિકો દ્વારા અમેરિકી સૈનિકને મારવા કે પકડવા પર ૫ અબજ તોમાન (અંદાજે ૨૬,૦૦૦ ડૉલર)નું ઈનામ અપાશે. જો આ કામ કોઈ મહિલા દ્વારા કરવામાં આવે તો આ રકમ વધારીને ૧૦ અબજ તોમાન (અંદાજે ૫૩,૦૦ર ડૉલર) કરવામાં આવશે. સાથે જ ઉપયોગમાં લેવાયેલું હથિયાર બમણી કિંમતે ખરીદીને સૈન્ય સંગ્રહાલયમાં તેના માલિકના નામે સાચવવામાં આવશે.સેનાએ પોતાની તાકાત વધારવા માટે ‘ખતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર’નું સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફ સાથે વિલીનીકરણ કર્યું છે, જેથી સંકટના સમયે નિર્ણયો ઝડપથી લઈ શકાય. આ સાથે ઈરાને કતાર સમક્ષ તેના વિસ્તારમાં કાર્યવાહી કરનાર પોતાના ત્રણ સુખોઈ-૨૪ (Su-૨૪) પાયલોટની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે રાજદ્વારી માર્ગો અપનાવ્યા છે. પ્રવક્તાએ અંતમાં દાવો કર્યો હતો કે ક્ષેત્રમાં અમેરિકાનો પ્રભાવ સતત ઘટી રહ્યો છે, જેનું ઉદાહરણ સઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન દ્વારા યુરિકા વગરની સુરક્ષા વ્યવસ્થાની રચના છે.