વાટાઘાટોની માંગણીના દાવાને ઈરાને અફવા ગણાવી; અમેરિકી હુમલા રોકાતાં બંને પક્ષે વળતા પ્રહારો પર ક્ષણિક વિરામ
(એજન્સી) તેહરાન/વૉશિંગ્ટન, તા.૨૭
ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે તાજેતરના દિવસોમાં પરસ્પર હુમલાઓ અટકી ગયા હોવા છતાં, ઈરાનના વિદેશ મંત્રાલયે સોમવારે સ્પષ્ટતા કરી છે કે તે હાલમાં અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની સીધી વાટાઘાટોમાં સામેલ નથી. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકેઈએ સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ઈરાને વાટાઘાટો માટે વિનંતી કરી હોવાના દાવાઓ સંપૂર્ણપણે ઉપજાવી કાઢેલા છે અને તે સામો પક્ષ અવારનવાર ફેલાવતો રહે છે.બાકેઈએ ઉમેર્યું હતું કે મધ્યસ્થો પ્રાદેશિક ઘટનાક્રમ અંગે અમેરિકા તરફથી સંદેશાઓ પહોંચાડી શકે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં અમેરિકા સાથે કોઈ વાટાઘાટો થઈ રહી નથી. તેમણે અમેરિકાના વર્તનને ‘માફિયા ગેંગ’ જેવું ગણાવતા કડક શબ્દોમાં ટીકા કરી હતી.બે દિવસથી હુમલા અટક્યાઃ શું યુદ્ધવિરામની આશા જાગી છે ?સતત ૧૩ રાત સુધી બોમ્બમારો કર્યા બાદ, અમેરિકાએ છેલ્લા બે દિવસથી ઈરાન પરના હુમલા રોકી દીધા છે. ઈરાને પણ તેના વળતાપ્રહારો રોકવાની જાહેરાત કરી છે. ઈરાની સેનાના પ્રવક્તા મોહમ્મદ અક્રામિનિયાએ જણાવ્યું હતું કે, ઈરાનની રણનીતિ માત્ર વળતા જવાબ આપવાની હોવાથી અમેરિકી હુમલા અટકતાં તેમણે પણ લશ્કરી કામગીરી સ્થગિત કરી છે.દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર (UN) ખાતેના અમેરિકી રાજદૂત માઇક વોલ્ટ્ઝે જણાવ્યું હતું કે અમેરિકી દળો પૂર્ણપણે સજ્જ છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાટાઘાટો માટે થોડો સમય અને તક આપી રહ્યા છે. આ કામચલાઉ શાંતિના કારણે એશિયન બજારોમાં કચવાતા મનથી કાચા તેલના ભાવમાં રાહત જોવા મળી હતી.હોર્મુઝની સામુદ્રધુની અને પ્રાદેશિક તણાવઆ સંઘર્ષની શરૂઆત હોર્મુઝની વ્યૂહાત્મક સામુદ્રધુની (Strait of Hormuz) પરના વિવાદથી થઈ હતી, જે બાદમાં અમેરિકી સૈન્ય મથકો, પ્રાદેશિક શિપિંગ અને ખાડી દેશો પરના હુમલાઓ સુધી વિસ્તરી ગઈ હતી. મધ્યસ્થી કરી રહેલા એક પ્રાદેશિક અધિકારીના જણાવ્યા અનુસાર, બંને દેશો ફરીથી ઈન્ટરિમ (અંતરિમ) સીઝફાયર ડીલ તરફ પાછા ફરવા માંગે છે, જેમાં હોર્મુઝ સામુદ્રધુનીમાંથી જહાજોની અવરજવર માટે ઈરાનને અમુક છૂટછાટો આપવા પર વિચારણા ચાલી રહી છે.જોકે, બાકેઈએ અમેરિકા પર ઈસ્લામાબાદ કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કહ્યું કે વોશિંગ્ટને ફરી એકવાર કૂટનીતિ સાથે વિશ્વાસઘાત કર્યો છે. બીજી તરફ, અમેરિકી નૌકાદળે ઈરાન સામે તેની દરિયાઈ નાકાબંધી યથાવત રાખી છે.બેન્જામિન નેતાન્યાહુ અને ટ્રમ્પની મુલાકાત પર નજરઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ મંગળવારે વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. નેતાન્યાહુ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે કડક વલણ અપનાવવા માટે ટ્રમ્પ પર દબાણ લાવે તેવી શક્યતા છે. નેતાન્યાહુએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ડેલ સાથે કે ડીલ વગર, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ કોઈપણ ભોગે બંધ થવો જ જોઈએ.લગભગ પાંચ મહિનાથી ચાલી રહેલું આ યુદ્ધ અમેરિકામાં આગામી નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણીઓ (Midterm Elections) પહેલા ટ્રમ્પ માટે રાજકીય રીતે અને શસ્ત્ર સામગ્રીના પુરવઠાની દૃષ્ટિએ પડકારજનક સાબિત થઈ રહ્યું છે.