હોર્મુઝની સમુદ્રધુની ખોલવા અંગે શાંતિ વાટાઘાટો ચાલુ, જોકે અણુ મુદ્દાઓને લીધે વિલંબ; ગાઝામાં “સીઝફાયર” વચ્ચે પણ ઈઝરાયેલનો વાહન પર હુમલો, મૃત્યુઆંક વધવાની આશંકા
(એજન્સી) તા.૩૦
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને શાંત કરવા માટે કતારની મધ્યસ્થતા બાદ ઈરાને અમેરિકા તરફથી રજૂ કરવામાં આવેલા વળતા પ્રસ્તાવની સમીક્ષા શરૂ કરી છે. ઈરાને હોર્મુઝની સમુદ્રધુની (Strait of Hormuz)ને ફરીથી ખોલવા માટે અમેરિકાને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેના જવાબમાં વોશિંગ્ટન તરફથી આ પ્રતિક્રિયા મળી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાન સાથેની વાટાઘાટો “રચનાત્મક” રહી છે, પરંતુ પરમાણુ મુદ્દાઓને લીધે આખરી કરાર થવામાં વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ, રિવોલ્યુશનરી ગાર્ડનું કહેવું છે કે હોર્મુઝ વિસ્તારમાં દૈનિક સૈન્ય સંઘર્ષ ચાલુ છે અને તાજેતરમાં જ વધુ ત્રણ વેપારી જહાજો પર હુમલા થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.દરમિયાન, મધ્ય પૂર્વમાં અન્ય એક મોટા ઘટનાક્રમમાં અમેરિકાએ ઇરાકમાં આઇએસઆઇએલ (ISIL) સામે લડવા માટેના પોતાના ૧૨ વર્ષ જૂના સૈન્ય મિશનના સત્તાવાર અંતની જાહેરાત કરી છે. અમેરિકી આર્મી હવે આ કામગીરી જોર્ડનથી સંભાળશે. આ જાહેરાત બાદ ઇરાકના વડા પ્રધાન અલી અલ-ઝૈદીએ દેશ માટે “સાર્વભૌમત્વ”ના નવા અધ્યાયની શરૂઆત ગણાવીને આ પગલાંને આવકાર્યું છે.બીજી તરફ, ગાઝા પટ્ટીમાં કહેવાતા “સીઝફાયર” (યુદ્ધવિરામ) છતાં ઈઝરાયેલી હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ગાઝા સિટીમાં ઉત્તરથી દક્ષિણ તરફ જઈ રહેલા એક ફોક્સવેગન વાહનને ઈઝરાયેલી દળોએ નિશાન બનાવતા ઓછામાં ઓછા ૬ લોકોનાં મોત થયા છે અને ૧૫થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક તબીબોના જણાવ્યા અનુસાર, વર્ષોના હુમલાઓ અને નાકાબંધીને કારણે ગાઝાની આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હોવાથી ઘાયલોની હાલત અત્યંત નાજુક છે અને મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. ગાઝામાં સતત ડ્રોનના અવાજો અને વિસ્ફોટોને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે દહેશતનો માહોલ છે. આગામી શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને લોકો એક તરફ ઈઝરાયેલી હવાઈ હુમલાઓ અને બીજી તરફ વરસાદ અને ઠંડા પવનોથી પોતાનું રક્ષણ કરવા માટે સતત ઝઝૂમી રહ્યા છે. બાળકોને શાળાએ મોકલવા કે દૈનિક જરૂરિયાતો માટે બહાર નીકળવું પણ લોકો માટે જોખમી બની ગયું છે.