(એજન્સી) તા.૧૩
મધ્ય-પૂર્વમાં વધી રહેલા યુદ્ધ અને રાજકીય તણાવ વચ્ચે, યુએસ નૌકાદળના સૌથી શક્તિશાળી વિમાનવાહક જહાજોમાંના એક ‘યુએસએસ અબ્રાહમ લિંકન’ પરથી એક ગંભીર અને ચિંતાજનક માનવીય સંકટ સર્જાયું છે. દેશની સેવા માટે સમુદ્રમાં તહેનાત સૈનિકો હવે દુશ્મન સામે લડવા કરતાં પોતાની અંદરના તણાવ અને અસહ્ય પરિસ્થિતિ સામે વધુ ઝઝૂમી રહ્યા છે. મહિનાઓ સુધી ઘરથી દૂર રહેવા, સતત વધતી તહેનાતી અને જહાજ પરની ખરાબ જીવનશૈલીને કારણે ખલાસીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે. હતાશાને કારણે કેટલાક ખલાસીઓએ સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન પર આશરે ૫,૦૦૦ ખલાસીઓ અને મરીન સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. આ જહાજ ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સાન ડિએગોથી પેસિફિક ડિપ્લોયમેન્ટ માટે રવાના થયું હતું, પરંતુ ઈરાન સામેની લશ્કરી કામગીરી માટે તેને મધ્ય-પૂર્વ તરફ વાળી દેવામાં આવ્યું હતું. આ જહાજ પર રહેતા સૈનિકો અત્યાર સુધીમાં સતત ૨૫૦ દિવસ સમુદ્રમાં વિતાવી ચૂક્યા છે. આ આખી તૈનાતી દરમિયાન જહાજ માત્ર બે જ વાર રોકાયું છે. ડિસેમ્બરમાં ગુઆમમાં અને જુલાઈમાં ઓમાનમાં, મૂળ યોજના મુજબ આ જહાજ મે મહિનામાં પરત ફરવાનું હતું, પરંતુ કામગીરી વધારવાને કારણે તેમની ઘર વાપસી અટકાવી દેવાઈ છે. જહાજ પર રહેલા ખલાસીઓ ભારે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. કેટલાક અહેવાલો મુજબ, માનસિક થાક અને હતાશાને કારણે કેટલાક ખલાસીઓએ સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેમાં એક સૈનિકને તેના સાથીએ કૂદતા બચાવી લીધો હતો. દરમિયાન અમેરિકાના સાન ડિએગોમાં સૈનિકોના ૨૦૦ જેટલાં પરિવારજનોની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં પરિવારોએ અધિકારીઓ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
• એનાબેલ લોમા નામના એક મહિલાએ જણાવ્યું કે વારંવાર તહેનાતી લંબાવાતા તેમના પતિ ગભરાઈ ગયા હતા અને તેમણે સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને લાગે છે કે તેને સેવામાંથી અપમાનજનક રીતે છૂટા કરાશે. એટલું જ નહીં, તેની ૧૩ વર્ષની કારકિર્દી ફક્ત એટલા માટે બરબાદ થઈ જશે કારણ કે તે ફરજ બજાવતાં-બજાવતાં થાકી ગયો છે.
• એક અન્ય મહિલાએ ખુલાસો કર્યો કે તેના પતિએ મેસેજ કરીને કહ્યું હતું કે તેને લાગે છે કે તે આવતીકાલ સવારે જીવતો જાગશે નહીં.
• પરિવારોએ આક્ષેપ કર્યો છે કે નૌકાદળના સિનિયર ઓફિસરો અને સૈનિકો વચ્ચેનો વિશ્વાસ તૂટી ગયો છે.ડેમોક્રેટિક કોંગ્રેસમેન માઇક લેવિન અને પીડિત પરિવારોએ જહાજ પરની સ્થિતિ વિશે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમના જણાવ્યા મુજબ જહાજ પર નીચે મુજબની સ્થિતિ છે.
• શૌચાલય અને લોન્ડ્રી તૂટેલી હાલતમાં છે.
• બાથરૂમમાં ફૂગ જામી ગઈ છે અને ગરમ પાણી ઉપલબ્ધ નથી.
• સૈનિકોને પૂરતો ખોરાક નથી મળતો; માત્ર અડધો કપ ચોખા અને બે ટોર્ટિલા અપાય છે.
• સાબુ, ડિઓડ્રન્ટ કે ટૂથપેસ્ટ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે.
આ મીટિંગમાં માઇક લેવિને સંરક્ષણ સચિવ પીટ હેગસેઠની ટીકા કરતાં કહ્યું કે જે સૈનિકો (પુરૂષ અને મહિલા) દેશની સેવા કરી રહ્યા છે, તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.બીજી તરફ, યુએસ નેવીએ આત્મહત્યાના પ્રયાસો અને આત્મહત્યાના વિચારો વધવાના દાવા ફગાવી દીધા છે. નેવીના અધિકારીઓએ નીચે મુજબની માહિતી આપી હતી.
• જહાજ પર આત્મહત્યાના કેસોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.
• ખલાસીઓની મદદ માટે ડિપ્લોયમેન્ટ-રેઝિલિયન્સ કાઉન્સિલર અને પાદરીઓ ઉપલબ્ધ છે.
• જહાજ પર સ્વચ્છ પાણી, એર કન્ડિશનિંગ અને પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ છે.
ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા માટે યુએસએસ અબ્રાહમ લિંકન હુકમના એક્કા જેવું કામ આપે એમ છે. જો કે, ભૌગોલિક-રાજકીય સંઘર્ષને કારણે મહિનાઓથી વતનથી દૂર રહેલા અમેરિકન સૈનિકોનું માનસિક સ્વાસ્થ્ય હવે ચિંતાનો વિષય બની ગયું છે. જહાજની પરત ફરવાની તારીખ અસ્પષ્ટ હોવાથી સૈનિકો અને તેમના પરિવારો માટે આ અશાંતિ હજુ લાંબી ચાલશે, એવું લાગે છે.