રમઝાન સંદેશ-૧૯
ઈસ્લામની આ શિક્ષામાં ત્રણ બાબતો ઉલ્લેખનીય છે. પ્રથમ, આમંત્રણ અને આહ્વાનના કાર્યમાં સન્મુખની અશિષ્ટતા, અવિવેક અને અસભ્યતાથી દરગુજર કરવું અને તેમના વર્તનને સહન કરવું. દ્વિતીય, તેમને સદુપદેશ આપવો અને ધીરજથી સમજાવવાનો પ્રયત્ન કરવો, અને તૃતીય, ચર્ચા અને ગોષ્ઠિમાં એવી પ્રભાવકારી પદ્ધતિ અપનાવવામાં આવે, જે હૃદયમાં ઉતરી જાય.
આ જ શિક્ષા-પ્રશિક્ષાને ધ્યાનમાં રાખીને પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ જ્યારે તેમના પ્રિય સાથીઓ હઝરત મઆઝ રદિ. અને હઝરત અબૂ મૂસા અશ્અરી રદિ.ને યમનમાં ઈસ્લામના પ્રચાર માટે મોકલ્યા તો શિખામણ આપી કે,
“અલ્લાહના ધર્મને સરળ કરીને પ્રસ્તુત કરજો, કઠીન નહી.” (બુખારી)
ઈસ્લામે પ્રચાર-પ્રસારના જે સિદ્ધાંતો અને નિયમો દર્શાવ્યા છે, તેનો અનિવાર્ય તકાદો એ હતો કે તેનો આધાર દલીલ, તર્ક, બુદ્ધિ, વિવેક અને ચર્ચા હોય. તેથી એમ કહી શકાય છે કે જગતના તમામ ધર્મોના ઈતિહાસમાં માત્ર અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ મનુષ્યોની બુદ્ધિને સંબોધન કર્યાં, ચિંતન-મનનની પ્રેરણા આપી, સમજ-બૂઝ અને અધ્યયનની માંગ કરી. કુર્આન અને પયગમ્બરના કથનઆચરણનો અભ્યાસ કરીને ખાત્રી કરી શકાય છે કે ઈસ્લામે પોતાના પ્રત્યેક આદેશની સાથે તેના તર્ક અને દલીલ, તેની આવશ્યકતા અને બુદ્ધિગમ્યતાને સ્પષ્ટ કર્યા તથા વારંવાર સન્મુખને પોતાના શરીર અને અંતરમન તથા સૃષ્ટિની રચના ઉપર ચિંતન-મનન કરવાનું આહ્વાન કર્યું.
કુર્આનમાં ઉલ્લેખ છે કે,
“આકાશો અને ધરતીમાં ઘણી નિશાનીઓ (દલીલો) છે, જેના ઉપરથી તેઓ એવી રીતે પસાર થઈ જાય છે કે તેના તરફ ધ્યાન જ આપતા નથી.!” (કુર્આન, ૧ર : ૧૦પ)
એક અન્ય જગ્યાએ કહેવામાં આવ્યું,
“નિઃશંક, આકાશો અને ધરતીની સંરચનામાં તથા રાત અને દિવસના આગળ-પાછળ વારાફરતે આવવામાં બુદ્ધિશાળીઓ માટે નિશાનીઓ છે, જેઓ ઉઠતા બેસતા અને સૂતા, દરેક સ્થિતિમાં અલ્લાહને યાદ કરે છે અને આકાશો અને ધરતીની સંરચનામાં ચિંતન-મનન કરે છે, (તેઓ સહસા બોલી ઉઠે છે “પાલનહાર ! આ બધે તે નિરર્થક અને આ નિરુદ્દેશ્ય નથી બનાવ્યું, તું પવિત્ર અને મહાન છે એનાથી કે વ્યર્થ કામ કરે. પછી હે માલિક ! અમને નર્કની યાતનાથી બચાવી લે.” (કુર્આન, ૩ : ૧૯૦-૧૯૧)
મનુષ્યને તેના પોતાના શરીરની રચના અંગે ચિંતન-મનન કરવા પ્રેરણા આપવામાં આવી છે. કુર્આનમાં ઉલ્લેખ છે,
“વિશ્વાસ કરનારાઓ માટે ધરતીમાં ઘણી નિશાનીઓ છે અને સ્વયં તમારી પોતાની જાતમાં પણ. તો શું તમે જોતા નથી?” (કુર્આન, પ૧, ર૦-ર૧)
(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)
ઈસ્લામે પ્રચાર-પ્રસારના જે સિદ્ધાંતો અને નિયમો દર્શાવ્યા છે તેનો અનિવાર્ય તકાદો એ હતો કે તેનો આધાર દલીલ, તર્ક, બુદ્ધિ, વિવેક અને ચર્ચા હોય