ઈસ્લામની ધારણાઓ અને શિક્ષાઓ-ર

રમઝાન સંદેશ-૨૬

ઈશ્વરની સત્તા, પ્રભુત્વ, તેના ગુણ અને તેની મરજી મુજબ જીવન વ્યતીત કરવાની પદ્ધતિ તેમજ આખિરત (પરલોક)ના ઈનામ અને સજાનું યથાર્થ જ્ઞાન માત્ર પયગમ્બરના માધ્યમથી જ પ્રાપ્ત થઈ શકે છે. આમ, ઈસ્લામ ધર્મની વાસ્તવિક પરિભાષા એ થઈ કે પયગંબરની શિક્ષા ઉપર વિશ્વાસ કરવો અર્થાત્‌ ઈમાન લાવવું અને તેણે દર્શાવેલ પદ્ધતિ અનુસાર અલ્લાહની ઉપાસના કરવી ‘ઈસ્લામ’ છે. હવે જે વ્યક્તિ પયગંબરના માર્ગ છોડીને માત્ર ઈશ્વરના આજ્ઞાપાલનનો દાવો કરે તે ‘મુસ્લિમ’ નથી. – પ્રાચીન કાળમાં જુદી-જુદી જાતિઓ અને પ્રદેશો માટે પયગમ્બરો આવ્યા, ક્યારેક એક જ જાતિ અને પ્રદેશમાં એકથી વધારે પયગંબરો પણ આવ્યા. તે વખતે દરેક જાતિ કે પ્રદેશના લોકો માટે ‘ઈસ્લામ’ તે ધર્મનું નામ હતું, જે ખાસ જાતિ કે પ્રદેશ માટે નિયુક્ત પયગંબરે શીખવાડ્યો; જો કે ઈસ્લામી વાસ્તવિકતા એક જ હતી, પરંતુ ધર્મ-વિધાનો (શરીઅતો) અર્થાત, કાનૂન અને બંદગીની રીતો ભિન્ન હતી. તેથી એક જાતિ માટે બીજી જાતિના પયગંબરનું અનુસરણ જરૂરી નહોતું. – હઝરત મુહમ્મદ (સ.અ.વ.) જ્યારે પયગમ્બર બનાવીને મોકલવામાં આવ્યા, તો આપ (સ.અ.વ.) દ્વારા ઈસ્લામને પૂર્ણ કરી દેવામાં આવ્યો અને સમગ્ર જગત માટે એક જ શરીઅત (ધર્મ-વિધાન) મોકલવામાં આવી. અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું ઈશદૂતત્વ કોઈ વિશેષ જાતિ અથવા પ્રદેશ માટે નહીં, બલ્કે આદમની તમામ સંતાનો માટે છે અને હંમેશ માટે છે. અગાઉ જે શરીઅતો (ધર્મ-વિધાનો) મોકલવામાં આવ્યા હતા, તે તમામ હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના આગમનથી નિરસ્ત કરી દેવામાં આવી. હવે પ્રલય સુધી કોઈ પયગમ્બર નહી આવે અને ન કોઈ અન્ય શરીઅત મોકલવામાં આવશે. તેથી હવે ‘ઈસ્લામ’ માત્ર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના અનુસરણનું નામ છે. આપના ઈશદૂતત્વને હૃદયપૂર્વક માનવું અને આપ (સ.અ.વ.)એ આપેલ શિક્ષાને ઈશ્વરીય શિક્ષા સમજીને તેના ઉપર અમલ કરવો તે જ ‘ઈસ્લામ’ છે. (ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks