રમઝાન સંદેશ-૨૫
અલ્લાહે મનુષ્યનું સર્જન કરીને તેને એમ જ નથી છોડી મૂક્યો કે તે પોતે જેમ ઈચ્છે તેમ પોતાનું જીવન વ્યતીત કરે અને સ્વચ્છંદતાનો માર્ગ અપનાવે. ઈશ્વરની કૃપા દૃષ્ટિ રહી છે કે તેણે મનુષ્યોના માર્ગદર્શન માટે પોતાના સંદેશવાહકો, પયગંબરો અને ઇશદૂતો મોકલ્યા અને આ ક્રમ અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ઉપર પૂર્ણ થઈ ગયો. આપણે જોઈએ છીએ કે જગતમાં જેટલા પણ ધર્મો વિદ્યમાન છે, તેમાંથી દરેકનું નામ કાં તો કોઈ વિશેષ વ્યક્તિના નામ ઉપર રાખવામાં આવ્યું છે અથવા કોઈ વિશેષ જાતિ કે સમુદાયના નામ ઉપર, જેમાં તે ધર્મની ઉત્પત્તિ થઈ. પરંતુ ઈસ્લામની વિશેષતા એ છે કે તેનું નામ એક વિશેષ ગુણને પ્રગટ કરે છે. આ નામથી સ્વયં વિદિત થાય છે કે આ કોઈ વ્યક્તિના મગજની ઉપજ નથી અને ન કોઈ જાતિ કે સમુદાય સુધી સીમિત.
અરબી ભાષામાં ‘ઈસ્લામ’ શબ્દનો અર્થ આજ્ઞાપાલન અને આત્મ સમર્પણ થાય છે. ઈસ્લામ ધર્મનું નામ એટલા માટે ‘ઈસ્લામ’ રાખવામાં આવ્યુ છે કે તે અલ્લાહના આદેશોનું અનુસરણ અને આજ્ઞાપાલન છે. જે ઈશ્વરીય આદેશોનું પાલન કરે તે ‘મુસ્લિમ’ છે. ઈસ્લામનો બીજો અર્થ ‘શાંતિ’ અને ‘સલામતી’ પણ થાય છે. તે સંધિ, કુશળતા, વિનમ્રતા માટે પણ પ્રયુક્ત થાય છે. (ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)