
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
જ્ઞાન અને શિક્ષણ એક એવા મહત્ત્વપૂર્ણ તથા શક્તિશાળી યંત્ર છે. જેનું મહત્ત્વ માનવ સમાજના પ્રત્યેક યુગમાં રહ્યું છે. તેમજ આના દ્વારા માનવજાતિએ ઘણાં બધા મહાન કાર્યો કર્યા છે. આ જ કારણે જ્ઞાન અને શિક્ષણ સાથે પોતાનો સંબંધ તમામ ધર્મ અને વિચારધારા ધરાવતા એકબીજાની સાથે જોડે છે અને તેની પ્રાપ્તિ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. જો આ સંદર્ભમાં ઈસ્લામ ધર્મનું અધ્યયન કરવામા આવે તો આ જાણવા મળે છે કે ઈસ્લામે આની ઉપર વધારે પડતો ભાર મૂક્યો છે તથા તેના મૂળ સ્ત્રોત અર્થાત કુર્આન અને હદીસ એ વાતોથી ધરબાયેલા છે કે જેના દ્વારા મનુષ્યને શિક્ષણની પ્રાપ્તિ માટે ફકત પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ તેને અનિવાર્ય બનાવ્યું છે. આ સંબંધે જો ઈસ્લામી શિક્ષાઓનું અવલોકન કરીએ તો સૌ પ્રથમ આપણને એ જાણવા મળે છે કે ઈસ્લામી આસ્થાનુસાર મનુષ્ય તથા બીજી સૃષ્ટિઓ વચ્ચે શ્રેષ્ઠતાનો આધાર જ્ઞાન અને વિદ્યા જ છે. અલ્લાહે હઝરત આદમ (અ.સ.)ને પેદા કર્યા પછી તેમને જે જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરી તે જ આધારે મનુષ્યની સર્વશ્રેષ્ઠ સૃષ્ટિની ઉપાધિ (ડિગ્રી) પ્રાપ્ત થઈ. અંતિમ પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબ પર અવતરિત કરવામાં આવેલ કુર્આનનો પ્રથમ સંદેશ પણ શિક્ષણ અને જ્ઞાન સાથે જ સંબંધિત છે. જેનાથી ઈસ્લામ ધર્મમાં આનું મહત્ત્વ જાણવા મળે છે.
આ જ રીતે કુર્આનમાં જુદા જુદા સ્થળોએ જ્ઞાન અને શિક્ષણના સંબંધમાં વિવરણ જોવા મળે છે, જેનાથી આ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે. કુર્આનમાં અલ્લાહનું કથન છે કે જ્ઞાની તથા અજ્ઞાની સમાન થઈ શકતા નથી અને એક અન્ય સ્થળે કહેવામાં આવ્યું છે કે અલ્લાહથી તો તેના જ્ઞાનવાન બંદા જ ડરે છે.
ઈસ્લામી શિક્ષાનુસાર જ્ઞાન તથા શિક્ષણની પ્રાપ્તિ પ્રત્યેક મુસલમાન પર અનિવાર્ય છે. મોહમ્મદ (સ.અ.વ.)સાહેબનું કથન છે કે શિક્ષણ પ્રાપ્ત કરવું પ્રત્યેક મુસ્લિમ મહિલા અને પુરૂષનું કર્તવ્ય છે. આમ કોઈ લિંગીય ભેદભાવ કરવામાં આવ્યો નથી. શિક્ષણની પ્રાપ્તિના મહત્ત્વનું જ્ઞાન મોહમ્મદ (સ.અ.વ.)સાહેબની તે હદીસથી પણ થાય છે જેમાં તેમણે પોતાના સાથીદારોને કહ્યું કે શિક્ષણ પ્રાપ્ત કરો. આના માટે પછી ભલેને તમારે ચીન કેમ જવું ન પડે. ઈસ્લામી શાસ્ત્રના જ્ઞાનીઓએ પયગમ્બર (સ.અ.વ.) સાહેબની આ વાતથી આ બોધપાઠ હાંસલ કર્યો છે કે જ્ઞાન અને શિક્ષણની પ્રાપ્તિમાં તમારી વચ્ચે આવતા કોઈપણ પ્રકારના વિઘ્ન, કઠિનાઈઓ અને કઠોર પરિસ્થિતિઓથી વિચલિત અને હતોત્સાહિત ન થવું જોઈએ. આ જ રીતે જો મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના ક્રિયાત્મક જીવનનું અધ્યનન કરવામાં આવે તો જાણવા મળે છે કે જ્ઞાન અને શિક્ષણની પ્રાપ્તિમાં ક્યારેય પણ તેમણે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી. પછી તે લિંગીય ભેદભાવ હોય કે શાસ્ત્રીય. શિક્ષણની પ્રાપ્તિ પોતાના લોકો પાસેથી કરવી હોય કે પારકા લોકો પાસેથી, ત્યાં સુધી કે તેમણે પોતાના સાથીદારોને પોતાના તે શત્રુઓ પાસેથી પણ શિક્ષણ અપાવ્યું. જેઓને બદ્રના યુદ્ધમાં બંદી બનાવીને લાવવામાં આવ્યા હતા. મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના જીવનની આ ઘટનાથી ફકત આપણને શિક્ષણના મહત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પરંતુ આ પણ જાણવા મળે છે કે શિક્ષણની પ્રાપ્તિમાં શાસ્ત્રો અને વિષયોની વચ્ચે કોઈપણ પ્રકારનું અંતર કે ભેદ રાખવો ન જોઈએ.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)