ઈસ્લામમાં બાળકોના અધિકાર

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે

બાળકો કોઈપણ કૌમ અને રાષ્ટ્રનો એક મહત્ત્વપૂર્ણ વારસો હોય છે અને કૌમો રાષ્ટ્રોનું ભવિષ્ય પણ તેમની ઉપર નિર્ભર હોય છે. આ જ કારણે તેઓની યોગ્ય દેખરેખ તથા ભરણ-પોષણ સમાજનું દાયિત્વ હોય છે. જો આ સંબંધમાં ઈસ્લામી શિક્ષાઓનું અધ્યયન કરવામાં આવે તો આપણને જાણવા મળે છે કે ઈસ્લામે બાળકો પર વિશેષ ધ્યાન આપ્યું છે અને ઈસ્લામી શિક્ષાઓમાં એવી વાતો કહેવામાં આવી છે જેનાથી ફકત બાળકોના અધિકારોનું નિર્ધારણ થાય છે એટલું જ નહીં પરંતુ આ પણ જાણવા મળે છે કે ઈસ્લામે બાળકો તથા તેમના અધિકારો પ્રત્યે કેવી રીતે ધ્યાન આપ્યું છે.
બાળકોના અધિકારોના સંબંધમાં ઈસ્લામનો પ્રથમ નિર્દેશ આ છે કે માતા-પિતા તથા સમાજ દ્વારા તેમનું પ્રેમપૂર્વક અને યોગ્ય ભરણ પોષણ કરવામાં આવે અને આ કાર્યમાં કોઈપણ પ્રકારની કોઈપણ ઊણપ રાખવામાં ન આવે. કેમ કે ઈસ્લામી શિક્ષણાનુસાર અલ્લાહને શારીરિક સ્વરૂપે એક કમજોર મુસલમાનની તુલનામાં એક નિપુણ અને બળવાન મુસલમાન વધારે પ્રિય છે.
આ જ રીતે માતા-પિતા તથા સમાજ ઉપર એક બાળકનો આ પણ અધિકાર છે કે તેને યોગ્ય અને ઉત્કૃષ્ટ કે ઉમદા શિક્ષણ આપવામાં આવે. ઈસ્લામે આને બાળકોના મૌલિક અધિકારોમાં ગણ્યા છે. આ જ કારણે કુર્આન અને હદીસમાં જુદી જદી જગ્યાએ શિક્ષણના મહત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શિક્ષણની પ્રાપ્તિ પ્રત્યેક મુસલમાનનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે.
માતા-પિતા અને સમાજનું આ પણ દાયિત્વ છે કે તે બાળકોના માટે એવું વાતાવરણ તૈયાર કરે જેનાથી બાળકો પાપ તથા પુણ્ય તેમજ સારી અને નરસી વસ્તુની વચ્ચેનું અંતર પારખી શકે તેમજ તેઓ એક સારા નાગરિક બની શકે, જેનાથી સમાજ અને દેશનું ‘ભલું’ થાય. ઈસ્લામી શિક્ષણ બાળવિવાહ તથા બાળ મજૂરીની વિરૂદ્ધમાં છે કેમ કે આનાથી બાળકોના અધિકારોનું હનન થાય છે.
માતા-પિતા ઉપર સંતાન તથા બાળકોનો આ પણ અધિકાર છે કે માતા-પિતા તેમના લગ્ન તેમની પસંદગી અનુસાર કરે અને આમાં કોઈપણ પ્રકારના કોઈ લિંગ ભેદભાવ ન હોવા જોઈએ.
આ જ રીતે ઈસ્લામે સમાજમાં વસતા તે અનાથ બાળકોના અધિકારોનો પણ વિશેષ પ્રકારે ઉલ્લેખ કર્યો છે, જેમના માતા-પિતાના નિધન પછી હવે તેઓની દેખરેખ કરનાર કોઈપણ ન હોય. આ પ્રકારના બાળકોનું ભરણ-પોષણ, તેમની દેખરેખ, તેમની સારસંભાળ તથા તેમના અધિકારોની પ્રત્યેક જવાબદારી સમાજ અને સરકાર ઉપર હોય છે કે તે તેમના અધિકારોનું હનન ન થવા દે, સાથોસાથ તેમના ભરણ-પોષણ અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે, તેઓના ધન અને સંપત્તિની સુરક્ષા કરવામાં આવે.
ઈસ્લામમાં માતા-પિતાની સાથોસાથ સંપૂર્ણ સમાજ અને સરકારનું એક દાયિત્વ આ પણ બતાવ્યું છે તે ફકત બાળકોના ભરણ-પોષણ અને શિક્ષણની વ્યવસ્થા કરે એટલું જ નહીં પરંતુ તેઓ તેમને એક સારા નાગરિક બનાવવામાં પણ સહાયતા કરે જેથી કરીને તેઓ સમાજ માટે એક વારસો બની શકે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks