(એજન્સી) લખનૌ, તા.૩૦
એવું કહેવાય છે કે સુખ વહેંચવાથી સુખ વધે છે અને સુખ આપવું એ સુખ મેળવવાનો સ્ત્રોત છે. આ ફિલસૂફીને પોતાના જીવનમાં અપનાવીને ઉત્તરપ્રદેશ સરકારના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદી છેલ્લાં ઘણાં વર્ષોથી દિવાળી પર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોમાં ખુશીઓનું વિતરણ કરી રહ્યા છે. તેઓ તેમના પ્રયાગરાજ શહેર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારની વિવિધ દલિત વસાહતો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંત્રી નંદીએ તેમના પ્રયાગરાજ શહેર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારની વિવિધ દલિત વસાહતો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સાથે દિવાળીના તહેવારનું આયોજન અલગ રીતે કર્યું હતું. દિવાળી પર પસંદગીની ખરીદી કરાવવામાં આવી હતી, જે આ વખતે પ્રયાગરાજમાં નહીં પરંતુ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં કરવામાં આવી હતી. તે પણ દેશના સૌથી મોટા મોલ પૈકીના એક લુલુ મોલમાં. પ્રયાગરાજથી ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ સુધીની અદ્ભુત યાત્રા અને લુલુ મોલમાં ખરીદી કર્યા પછી બાળકોમાં આનંદ છવાયો હતો. મંત્રી નંદીએ લુલુ મોલમાં સ્થિત ઝુડિયોના મેગા સ્ટોરમાં બાળકોને ખરીદી કરાવી. બાળકોને ત્યાંના કપડાં અને અન્ય વસ્તુઓ ખૂબ જ ગમી. દલિત વસાહતોના બાળકોને મનપસંદ કપડાં અને અન્ય ભેટો મળતાં આનંદ થયો હતો. તેમની ખુશીનો કોઈ પાર ન હતો. દિવાળી પર કપડાં, બૂટ અને અન્ય વસ્તુઓની ખરીદી કરતાં પહેલાં બાળકોએ આનંદી વોટર પાર્કમાં મંત્રી નંદી સાથે ખૂબ જ મજા કરી હતી. તેઓએ વોટર પાર્કમાં ન્હાવાની તેમજ ઝુલાઓની મજા માણી હતી. મંત્રી નંદી અને પ્રયાગરાજના પૂર્વ મેયર અભિલાષા ગુપ્તા નંદીએ પોતે મોલમાંથી કપડાં ખરીદ્યા અને બાળકોને પસંદ કરાવ્યા અને તેમની પસંદગી પ્રમાણે કપડાં મેળવ્યા. બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી કે, કપડા ખરીદવા માટે ન તો બજેટ જોવાનું હતું કે ન બિલ. તમારે ફક્ત તમારી પસંદગી મુજબ કપડાં પસંદ કરવા. બાળકોએ બરાબર એ જ કર્યું. પોતાની પસંદગીના કપડાં ખરીદ્યા. મંત્રી નંદીએ જણાવ્યું હતું કે, ખુશીઓ વહેંચવાના તહેવાર દિવાળી પર ગરીબ પરિવારના બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત જોવાનો આનંદ છે. કારણ કે ગરીબ હોય કે અમીર દરેકને તહેવાર ઉજવવાનો અધિકાર છે. આપણે બધાએ દરેકના જીવનમાં ખુશીઓ ફેલાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો ભગવાને આપણને કોઈની મદદ કરવા તેમના ઘરમાં સુખ લાવવા સક્ષમ બનાવ્યા છે, તો આપણે તે કરવું જોઈએ. તેમણે કહ્યું કે, આ પ્રયાસના ભાગરૂપે દર વર્ષે અમે ગરીબ પરિવારના બાળકો સાથે રોશનીનો તહેવાર ઉજવીએ છીએ અને તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરીએ છીએ. પ્રયાગરાજના પૂર્વ મેયર અભિલાષા ગુપ્તા નંદીએ જણાવ્યું હતું કે, દિવાળી એ ખુશી અને મધુરતાનો તહેવાર છે. આ રીતે બાળકો સાથે તહેવારની ઉજવણી કરવી એ એક સુખદ અનુભૂતિ છે. આપણે બધાએ ગરીબ બાળકો સાથે ખુશીઓ વહેંચવી જોઈએ.