કોટદ્વારમાં એક મુસ્લિમ દુકાનદારને હેરાન કરતા હિન્દુત્વવાદી કાર્યકરોનો વિરોધ કર્યા બાદ તેઓએ પોતાને ‘મોહમ્મદ’ દીપક તરીકે ઓળખાવનાર દીપક કુમારની ધરપકડ કરવામાં આવી છે, આ ધરપકડ ઉજ્જૈનની ઐતિહાસિક શાહી મસ્જિદને આંશિક રીતે તોડી પાડવાની ઘટનાની ટીકા કરતી તેમની ફેસબુક પોસ્ટને લઈને થયેલા વિવાદ બાદ કરવામાં આવી છે

(એજન્સી) તા.૨
ઉત્તરાખંડ પોલીસે ગુરૂવાર, ૧ ઓકટોબરના રોજ સ્થાનિક વેપારી સંજીવ ટોંકની ફરિયાદના આધારે કોટદ્વારના રહેવાસી ‘મોહમ્મદ’ દીપક કુમારની ધરપકડ કરી છે. દીપક ૨૦૨૬ના પ્રજાસત્તાક દિવસે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે કોટદ્વારમાં એક વૃદ્ધ મુસ્લિમ દુકાનદારને તેમની દુકાનના નામમાં ‘બાબા’ શબ્દના ઉપયોગને લઈને હેરાન કરતા હિન્દુત્વવાદી કાર્યકરોના જૂથનો સામનો કર્યો હતો.તેમની ધરપકડનું કારણ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલી ઐતિહાસિક શાહી મસ્જિદને આંશિક રીતે તોડી પાડવા અંગેની ફેસબુક પોસ્ટને લઈને ટોંક સાથે થયેલો તાજેતરનો વિવાદ હોવાનું કહેવાય છે. આ વિવાદ ફરિયાદીના એ આરોપો સાથે પણ જોડાયેલો છે કે, દીપકે ધમકીઓ આપી હતી અને ‘હિન્દુ સમાજ’ વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દીપક અને ટોંક વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળે છે. શરૂઆતમાં દીપક અન્ય ત્રણ લોકો સાથે વાત કરતા જોવા મળે છે અને ત્યારબાદ તેમની અને વેપારી વચ્ચે બોલાચાલી શરૂ થાય છે. બાદમાં બંનેને કેમેરાથી દૂર જતા જોઈ શકાય છે. દીપકની ધરપકડ બાદ કોટદ્વારના કોતવાલી પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ એકઠા થયા હતા અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. અહેવાલો અનુસાર ત્યારપછી આ વિસ્તારમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે શરૂઆતમાં ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની કલમ ૩૫૧(૨) (ગુનાહિત ધમકી) અને ૩૫૨ (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી જાણીજોઈને અપમાન કરવું) હેઠળ દીપક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે કેસમાં કલમ ૧૯૬ (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને ૧૧૫ (ઈજા પહોંચાડવી) ઉમેરતા પહેલા સીસીટીવી ફૂટેજ, તસવીરો અને વીડિયોની તપાસ કરી હતી. કોટદ્વાર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉપલબ્ધ પુરાવા, તેની કથિત પ્રવૃત્તિઓ અને વિસ્તારમાં શાંતિ તથા કાયદો-વ્યવસ્થાના ભંગની શક્યતાને ધ્યાનમાં રાખીને દીપકની ધરપકડ ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ (BNSS)ની કલમ ૧૭૦ હેઠળ કરવામાં આવી છે. BNSS કલમ ૧૭૦ પોલીસને અટકાયતી પગલાં લેવાની સત્તા આપે છે જ્યારે તેમને એવું માનવાનું કારણ હોય કે કોઈ વ્યક્તિ ‘કોગ્નિઝેબલ’ (પોલીસ વોરંટ વિના ધરપકડ કરી શકે તેવા ગંભીર) ગુનો કરવાની યોજના બનાવી રહી છે અને તેને અન્ય કોઈ રીતે અટકાવી શકાય તેમ નથી. સાવચેતીના પગલા રૂપે પોલીસે ગુરૂવારે સાંજે કોટદ્વાર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ યોજી હતી. પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે, દીપકને શુક્રવારે બાદમાં પૌરી ગઢવાલના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. દીપકની ધરપકડ એ ઘટનાના મહિનાઓ બાદ થઈ છે જ્યારે તેણે કોટદ્વારમાં એક મુસ્લિમ દુકાનદારને નિશાન બનાવતી હિન્દુત્વવાદી હિંસાનો વિરોધ કર્યો હતો. ૨૬ જાન્યુઆરીએ જ્યારે હિન્દુત્વવાદી કાર્યકરોએ એક મુસ્લિમ દુકાનદાર દ્વારા તેની દુકાનના નામમાં ‘બાબા’ શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો અને આગ્રહ કર્યો હતો કે, મુસ્લિમ વ્યક્તિ આ શબ્દનો ઉપયોગ કરી શકે નહીં, ત્યારે દીપકે તેમાં દરમિયાનગીરી કરી હતી. જ્યારે કાર્યકરોએ તેનું નામ જાણવાની માંગ કરી, ત્યારે દીપકે જવાબ આપ્યો હતો કે, તેનું નામ ‘મોહમ્મદ દીપક’ છે. જ્યારે ત્યાં મોટી ભીડ એકઠી થઈ અને દુકાનદારના સમર્થનમાં ઊભા રહેવા બદલ દીપકને નિશાન બનાવ્યો. ત્યારબાદ દીપકે તેની ફરિયાદમાં અમન સ્વેડિયા, સિદ્ધાંત બડોની, ભૂપી ચૌધરી અને અન્યના નામ આપ્યા હતા. જો કે, ઉત્તરાખંડ પોલીસે જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાના આરોપસર અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધી હતી. ૩ જાન્યુઆરીએ દીપકના જીમની બહાર પણ કથિત રીતે એક ટોળું એકઠું થયું હતું, જેનાથી તેની સુરક્ષા અંગેની ચિંતાઓ વધુ વધી ગઈ હતી. ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીના ઘર્ષણના સંબંધમાં નોંધાયેલા તોફાન કેસમાં દીપક સામેની કાર્યવાહી પર રોક લગાવી હતી. સર્વોચ્ચ અદાલતે ઉત્તરાખંડ હાઇકોર્ટના ૨૦ માર્ચના આદેશ પર પણ રોક લગાવી હતી, જેમાં તેને આ ઘટના અને કેસ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી રોકવામાં આવ્યો હતો.ઉત્તરાખંડ હાઇકોર્ટે અગાઉ દીપકની તે અરજીઓ ફગાવી દીધી હતી જેમાં તેણે પોલીસ સુરક્ષા, તેને ધમકી આપનારાઓ સામે FIR નોંધવા અને પોલીસ અધિકારીઓ સામે વિભાગીય તપાસની માંગ કરી હતી. કોર્ટે તેના પર આ મામલાને ‘સનસનીખેજ’ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. અહેવાલો અનુસાર દીપકને શુક્રવાર, ૨ ઓકટોબરના રોજ પૌરી ગઢવાલ ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવનાર છે.