(એજન્સી) લખનૌ, તા.૧
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે દોષિત ઠરાવેલ કેદીઓના પેરોલ વધુ નહિ લંબાવવા નિર્ણય કર્યો છે. બધા કેદીઓ પાછા ફરે એ સુનિશ્ચિત કરવા જેલ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ વર્ષે મે મહિનામાં રાજ્ય સરકારે ૨૨૫૬ દોષિત કેદીઓને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ પેરોલ અને જામીન આપ્યા હતા. જેલમાં વધુ ભીડ હોવાથી કોવિડ-૧૯ મહામારીના ફેલાવાને અટકાવવા આ પગલું લેવામાં આવ્યું હતું. એવા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા જેમને સાત વર્ષ કરતા ઓછી સજા ફટકારવામાં આવેલ હતી. રાજ્યના જેલ વિભાગે જણાવ્યું છે કે ૨૨૫૬ કેદીઓમાંથી ૪નાં મૃત્યુ થયા છે, ૧૩૬ કેદીઓનો જેલવાસ પૂર્ણ થતાં એમને મુક્ત કરવામાં આવ્યા છે, અને અન્ય ૫૬ કેદીઓ અન્ય ગુનાઓના લીધે જેલમાં હતા અને બાકી રહેલ ૨૦૬૩ કેદીઓને પાછા આવવા જણાવાયું છે. જેલના ડી.આઈ.જી.એ કહ્યું કે ૬૯૩ કેદીઓ પાછા આવ્યા છે અને એમાંથી કેટલાક હજુ ભાગી ગયેલ છે. સંબંધિત જિલ્લા જેલના અધિકારીઓને નોટિસો મોકલાવી છે. કેદીઓને જેલમાંથી પેરોલ પર મુક્ત કરાયા પછી એમના પેરોલ ત્રણ વખત વધારવામાં આવ્યા હતા. છેવટે એમના પાછા ફરવાની છેલ્લી તારીખ ૨૩ નવેમ્બર નિર્ધારિત કરાઈ હતી અને એ મુજબ એમને નોટિસો મોકલાવી હતી.