ઉનાના સમઢિયાળા ગામે ગૌરક્ષકોનો આતંક મૃત ઢોરોનું ચામડું ઉતારતાં દલિતોને ગાડી સાથે બાંધી ઢોર માર મારતાં દલિત સમાજમાં પ્રચંડ રોષ

કારની પાછળ ચાર દલિત યુવાનોને બાંધી સરઘસ કાઢતાં લોકો ઉમટ્યાં
આ સમગ્ર ઘટનામાં ગીર સોમનાથ જિલ્લા શિવસેના પ્રમુખ લખેલી કારમાં ચાર શખ્સોને બાંધી જાહેરમાં માર મારતાં લોકોના ટોળેટોળા શહેરભરમાંથી પોલીસ સ્ટેશનમાં ઉમટી પડેલ હતાં.

એક પોલીસની હિંમતે ટોળાને નસાડતાં ઈજાગ્રસ્તોને રાહત અપાવી
આ ઘટના બન્યા બાદ ચાર યુવાનોને ઢોરમાર મારતાં સરઘસ રૂપે પોલીસ સ્ટેશન લાવતાં હોઈ અધિકારી કે સ્ટાફ ન હોઈ અને લોકોનું મોટું ટોળું એકઠું થતાં હરદેવસિંહ નામના પો.કોન્સ.એ હિંમત કરી ટોળાને ભગાડી મૂકતાં આ દલિત યુવાનો વધુ મારથી બચી ગયા હતાં.

ઉનાના સમઢિયાળા ગામે મૃત ઢોરોનું ચામડુ ઉતારવાનો ધંધો કરતા ગરીબ દલિત સમાજના યુવાનોને છાકટા અને બેખૌફ બનેલ ગૌરક્ષકોએ કાયદો હાથમાં લઈ યુવાનોને ગાડી સાથે બાંધી ઢોરમાર મારતાં તેના દલિત સમાજમાં ઘેરા પડઘા અને પ્રત્યઘાત પડ્યા છે. તસવીરમાં ગૌરક્ષકોની ઢોરમારનો ભોગ બનેલ લોકો નજરે પડે છે.

ઉના,તા.૧૧
ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે રહેતા દલિત સમાજના છ શખ્સો તથા બેડિયા ગામનો એક યુવાન મૃત ગાયનું ચામડું ઉતારતા હતા ત્યારે ત્યાં આવી પહોંચેલ ગૌરક્ષકો તેઓને માર મારી ધમકી આપી પોતાના વાહનમાં બેસાડી ઉના બસ સ્ટેન્ડ પાસે લાવી ગાડીમાંથી ઉતારી હાથ દોરી વડે બાંધી ગાડી પાછળ બાંધી દઈ ઢોરમાર મારતાં દલિત સમાજમાં પ્રચંડ રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. જ્યારે આ ઘટનાના વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. બનાવની પોલીસ સુત્રમાંથી જાણવા મળેલ વિગત મુજબ મોટા સમઢિયાળા ગામે રહેતા દલિત વસરામ બાલુભાઈ સરવૈયા તેમજ રમેશ બાલુભાઈ સરવૈયા, બાલુભાઈ હીરાભાઈ સરવૈયા અશોક બીજલભાઈ સરવૈયા, બેચરભાઈ ઊગાભાઈ સરવૈયા તેમજ કુંવરબેન બાલુબાઈ સરવૈયા મૃતક જનાવર ઊપાડવા નો તે ધંધો કરતા હોય મરેલ ઢોર કાપી તેનુ માસ અને ચામડું ભેગું કરેલ હોય ત્યાં ગૌરક્ષક પ્રમોદગીરી રમેશગીરી રે.સીમર, બળવંત ધીરૂભાઈ રે.ઉના, રમેશ ભગવાનભાઈ રે.સામતેર, રાકેશ રે.ઉના, ભીમપરા, રસીક રે.ઉના, નાગજી ડાયા આહીર રે.બેડીયાવાળા શખ્સો પોતાનું ફોર વ્હીલવાહન લઈ ત્યાં દોડી ગયેલ અને તમે ગાયો કેમ કાપો છો તેવું જણાવી લોખઁંડના પાઈપ-ધોકાથી માર મારી ઉના બસ સ્ટેન્ડ પાસે ગાડીમાંથી ઉતારી જાહેરમાં વાહન સાથે બાંધી માર મારતાં ઉના પોલીસ સ્ટેશનમાં લાવતાં અને તેને મૂકી ચાલ્યાં ગયા હતાં. આ બનાવની જાણ દલિત સમાજના બઘાભાઈ વિઝુંડા, કાનજીભાઈ સોખડ સહિતના દલિત સમાજના આગેવાનો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉના પોલીસ સ્ટેશનમાં દોડી આવેલ અને ઈજાગ્રસ્ત યુવાનોને તાકીદે ઉના સરકારી દવાખાને સારવારમાં ખસેડવામાં આવતાં તબીબે તમામને સારવાર આપેલ જ્યારે હોસ્પિટલમાં પણ દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉતરી પડતાં પરિસ્થિતિને પારખી ઉના પીઆઈ ઝાલાએ તાકીદે જિલ્લા ભરની પોલીસને ઉતારી દઈ કાયદો વ્યવસ્થા જળવાય તે હેતું બંદોબસ્ત ગોઠવી દીધેલ હતો. ગૌરક્ષકોના અમાનુસી અત્યાચારના પગલે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો ઉના ખાતે આવેલા ત્રિકોણ બાગ ખાતે ડૉ.આંબેડકર પ્રતિમા પાસે એકઠાં થતાં પોલીસ સતર્ક બની ગયેલ અને મામલો સંગીન બને તે પહેલા આગેવાનો સાથે ચર્ચા કરી દલિત સમાજના આ પરિવારોને થયેલા અન્યાય સામે ગૌરક્ષકો સામે સખ્ત કાર્યવાહી કરી ફરિયાદ નોંધી ધરપકડ કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો. ત્યાર બાદ ઉના પોલીસે છ ગૌરક્ષકો સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોેંધી અલગ-અલગ ટીમો બનાવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts