ઉપરવાસમાં ભારે વરસાદથી ૫થી ૮ લાખ ક્યુસેક પાણી આવવાની સંભાવના નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૫ મીટર નોંધાઈ : ડેમના ૨૩ દરવાજા ખોલ્યા

 

અમદાવાદ, તા.૨૯
નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતેના સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી આશરે ૫ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સરદાર સરોવરમાં દાખલ થતાં આજે સવારે ૮-૦૦ કલાકે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૧.૨૮ મીટર જેટલી નોંધાઈ હતી. આ સમયે સરદાર સરોવર ડેમમાં ૧૫ ગેટ ૩.૧૩ મીટર જેટલા ખોલવામાં આવ્યા હતાં. આજે સવારે ૧૧-૦૦ કલાકે ડેમના ૨૩ ગેટ ૨.૮૫ મીટર જેટલા ખૂલ્લા કરવામાં આવ્યા છે. આ સમયે ૪.૧૦ લાખ ક્યુસેક જેટલો પાણીનો ફ્લો ભરૂચ તરફ વહી રહ્યોં છે. આની સામે અત્યારે ઇનફ્લો ૩.૭૬ લાખ ક્યુસેક જેટલો નોંધાયેલ છે, તેમ નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું. છેલ્લે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૫ મીટરે નોંધાઇ હતી. હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આશરે ૫ લાખથી ૮ લાખ ક્યુસેક જેટલું પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા હજુ ૨.૮૫ મીટરથી વધારે ઉંચા ખોલવામાં આવશે. હાલમાં રીવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી ૧૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને વિજળી ઉત્પન્ન કર્યા પછી ૩૫ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. તદ્‌ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસમાં ૩ યુનિટ કાર્યરત છે અને ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે, જેને કારણે ૧૦ હજાર ક્યુસેક જેટલો પાણીનો ફ્લો મુખ્ય કેનાલ તરફ વહી રહ્યોં હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks