પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ
ઉમ્મુલ મોમીનીન (મોમીનોની માતા) હઝરત સફીયા (રદીઅલ્લાહુ અનહા) બિંતે હુયય્ય બિન અખતબ પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)સાહેબના દસમા પુનિત પત્ની હતા.
એમનો જન્મ મદીનામાં આશરે ઇસ.૬૧૦માં થયો હતો. એમના પિતા હુયય્ય બિન અખતબ યહુદીઓના પ્રતિષ્ઠિત કબીલા બનુ નાઝીરનો સરદાર હતો. એમની માતાનું નામ બર્રા બિંતે સમવાલ હતું. સમવાલ મદીનાના યહુદીઓના પ્રસિદ્ધ કબીલા બનુ કુરેઝાનો સરદાર હતો. સમવાલ અને એનો ભાઈ અબુ યાસીર પયગમ્બર (સ.અ.વ.) સાહેબના કટ્ટર શત્રુઓ પૈકી હતા. હિસ ૪માં જયારે બનુ નાઝીર કબીલાને મદીનામાંથી હાંકી કાઢવામાં આવ્યું તો હુયય્ય બિન અખતબનો પરિવાર ખૈબરમાં સ્થાયી થયો. હઝરત સફીયા રદી.ના પ્રથમ લગ્ન બનું નાઝીરના અગેવાનોમાંથી એક એવા સલ્લામ ઇબ્ન મિશ્કામ સાથે થયા હતા, એણે એમને છૂટાછેડા આપી દીધા હતા. એ પછી હઝરત સફીયા રદી.ના લગ્ન કીનાના બિન અર રબી સાથે હિસ ૬ના અંત કે હિસ ૭ના પ્રારંભ /ઇસ ૬૨૭-૬૨૮માં થયા હતા ત્યારે એમની ઉમર ૧૭ વર્ષ હતી.
મક્કાના કુરેશીઓ સાથે યહુદીઓ પણ ગઝ્વાએ અહ્ઝાબ (કે ગઝ્વએ ખંદક)માં સામેલ હતા. બનુ કુરેઝાએ આ લડાઈમાં ખુલ્લમ ખુલ્લો મક્કાવાસીઓને સાથ આપ્યો હતો. કુરેશીઓ એમાં સફળ થયા નહીં અને એમણે પાછા હટવું પડ્યું. હઝરત સફીયાના પિતાને પણ પાછા હટવું પડ્યું. ઇસ્લામી લશ્કરે હિસ ૫/ઇસ ૬૨૭માં બનુ કુરેઝાને હરાવી દીધું અને અન્સારી સહાબી હઝરત સઅદ બિન મુઆઝ રદીના નિર્ણય મુજબ બનું કુરેઝાના પુરૂષોને કતલ કરી દેવામાં આવ્યા, એ રીતે હુયય્ય બિન અખતબને પણ કતલ કરવામાં આવ્યો.
ખૈબરમાં છ કિલ્લા હતા એમાંથી અલ કમુસનો કિલ્લો ખૂબ મજબૂત હતો. હઝરત સફીયા રદી.ના સાસરૂં આમાં જ રહેતું હતું. જયારે સફર હિસ ૭/જૂન-જુલાઈ ૬૨૮માં ઇસ્લામી લશ્કરે ખૈબરને જીતી લીધું ત્યારે હઝરત સફીયા રદી પણ બંદી તરીકે પકડવામાં આવ્યા અને હઝરત દિહ્યા ઇબ્ન ખલીફા અલ કલ્બી રદી ને આપવામાં આવ્યા. આ જ લડાઈમાં હઝરત સફીયા રદી.નો પતિ કીનાનને કતલ કરવામાં આવ્યો. જયારે નબી (સ.અ.વ.) સાહેબે એમણે જોયા તો પોતાનું કાપડ એમની ઉપર નાખી દીધું જે ઈશારો હતો કે આપે હઝરત સફીયા રદી.ને પોતાના માટે ચૂંટી લીધા છે. આપે એમને ઇસ્લામનું આમંત્રણ આપ્યું અને જણાવ્યું કે જો તેઓ ઇસ્લામ સ્વીકારી લેશે તો આપ (સ.અ.વ.) સાહેબ એમની સાથે લગ્ન કરી લેશે અને ઇસ્લામ નહીં સ્વીકારે તો આઝાદ કરી એમના કબીલામાં પાછા મોકલી દેવામાં આવશે. હઝરત સફીયા રદી એ ઇસ્લામ સ્વીકારી લીધો તો નબી (સ.અ.વ.)સાહેબે એમણે આઝાદ કરી દીધા અને મદીના તરફ પાછા વળતા એક સ્થળે એમની સાથે લગ્ન કરી લીધા. તેઓ ઉમ્મુલ મોમીનીનના પ્રતિષ્ઠિત જૂથમાં સામેલ થયા. એમની સ્વતંત્રતાને આપ (સ.અ.વ.) સાહેબે મહેર ગણાવી હતી. આ ખુશીમાં બીજા દિવસે લશ્કરમાં સામેલ સહાબા રદીને ખાણું પીરસવામાં આવ્યું. પાછળથી રસુલલ્લાહ (સ.અ.વ.) સાહેબ ખૈબરમાંથી જે મહેસૂલની રકમ આવતી હતી એ પુનિત પત્નીઓમાં વહેંચી દેતા હતા, એમાંથી એક ભાગ હઝરત સફીયા રદી.ને પણ આપતા હતા. લગ્નના દિવસે નબી (સ.અ.વ.) સાહેબે જયારે હઝરત સફિયા રદીના ચહેરા પરના નિશાન વિશે પૂછ્યું તો એમણે જણાવ્યું હતું કે જયારે સ્વપ્નમાં એમણે જોયું કે મદીનામાંથી ચંદ્ર એમના ખોળામાં આવીને પડ્યો અને આ સ્વપ્ન એમણે એમના પતિને કહ્યું તો એણે એમને થપ્પડ મારીને કહ્યું હતું કે ‘શું તમે હિજાઝના શાસક મુહમ્મદ (સ.અ.વ.)ને મળવા માંગો છો ?”
હઝરત સફીયા રદી સુંદર, બુદ્ધિશાળી, સજ્જન, શૂરવીર, ઉદાર અને ચુસ્ત મુસ્લિમ હતા. તેઓ બીજી પુનિત પત્નીઓની જેમ જ્ઞાન અને શ્રેષ્ઠતામાં આગવું સ્થાન ધરાવતા હતા. દૂર દૂરથી લોકો એમની પાસે મસાઈલ લઈને આવતા અને તેઓ એમના જવાબ આપતા. શિષ્ટાચારમાં એમનું સ્થાન ખૂબ ઉચ્ચ હતું. પોતાની હયાતીમાં જ એમણે પોતાનું મકાન દાનમાં આપી દીધું હતું. એમણે સોનાની કાનની બુટ્ટીઓ પયગમ્બર(સ.અ.વ.) સાહેબના પુત્રી હઝરત ફાતેમા ઝહરા રદી.ને આપી દીધી હતી. જયારે વિદ્રોહીઓએ હઝરત ઉસ્માન રદી.ના ઘર ફરતે ઘેરો નાખ્યો હતો ત્યારે તેઓ હઝરત ઉસ્માનને ભોજન આપવા પહોંચી ગયા હતા, પરંતુ એમને આમ કરવાની મનાઈ કરવામાં આવી તો એમણે પોતાના ઘરથી હઝરત ઉસ્માન રદી.ના ઘર સુધી એક લાકડાના પાટિયા પરથી ખાણું અને પાણી પહોંચાડ્યા હતા.(ઇબ્ને સા’દ, ૮,૧૨૮). પુનિત પત્નીઓમાં કેટલીક બાબતોમાં ઈર્ષ્યાના કારણે બે જૂથ પડી ગયા હતા, તેઓ હ.આયશા રદી.ના જૂથમાં હતા. (બુખારી,હિબા,૮).વાસ્તવમાં નબી (સ.અ.વ.) સાહેબના મધના શરબત વિશેના પ્રસંગમાં હઝરત આયશા રદી.જે કહેવા માંગતા હતા એ હઝરત સફીયા રદી.એ કહ્યા હતા અને એ કારણે સુરહ તહરીમની પ્રારંભિક આયતો અવતરિત થઈ હતી. (બુખારી,હિયેલ,૧૨).હઝરત સફિયા રદી યહૂદી કુટુંબમાંથી આવ્યા હતા એ બાબતે પુનિત પત્નીઓમાં ઘણી ચર્ચાઓ થતી હતી.(ઇબ્ન માજાહ,નિકાહ,૫૦).જો બીજી પુનિત પત્નીઓ એમના યહૂદી કૂળ વિશે વાત કરે તો નબી (સ.અ.વ.) સાહેબે એમને કહ્યું હતું કે તમારે જવાબ આપવો કે તમે મારાથી બહેતર કેવી રીતે થયા ? મારા પતિ મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ, પિતા હ.હારૂન અ.સ. અને કાકા હ.મુસા અ.સ છે ! રિવાયત છે કે હુઝુર (સ.અ.વ.) સાહેબની આખરી બીમારી વખતે હઝરત સફીયા રદીએ પોતાનું દુઃખ દર્દ આ શબ્દોમાં છતું કર્યું હતું કે ‘કાશ, આપ(સ.અ.વ.) સાહેબની જગ્યાએ હું હોત’ આ સાંભળી હુઝુર (સ.અ.વ.) સાહેબે બીજી પુનિત પત્નીઓને કહ્યું હતું કે સફીયા રદીની વાતમાં સચ્ચાઈ અને નિખાલસતા છે.
હઝરત સફીયા રદી.નું રમઝાન હિસ ૫૦/ઓક્ટોબર ૬૭૦ કે હિસ ૫૨/ સપ્ટેમ્બર ૬૭૨માં મદીનામાં અવસાન થયું. એમની જનાઝાની નમાઝ હઝરત મુઆવિયા બિન સુફિયાન રદી (કે હઝરત સઈદ ઇબ્ને આસ રદી)એ પઢાવી હતી. એમને જન્નતુલ બકીમાં દફનાવવામાં આવ્યા. હઝરત સફીયા રદી.એ પોતાની એક લાખ દિરહમની મિલકતનો ત્રીજો ભાગ પોતાના બિન મુસ્લિમ/યહૂદી ભાણિયાને આપવાની વસીયત કરી હતી. મદીનામાં એમના મકાનને હઝરત મુઆવિયા રદી.એ એક લાખ એંસી હજાર દિરહમમાં ખરીદી લીધું હતું. એમણે રિવાયત કરેલી લગભગ દસ હદીસો હદીસ સંગ્રહોમાં ઉપસ્થિત છે.