ઉમ્મુલ મોમીનીન હઝરત હફસા બિંતે ઉમર (રદીઅલ્લાહુ અનહા)(ઈસ ૬૦૫ : ૬૬૫)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

ઉમ્મુલ મોમીનીન (મોમીનોની માતા) હઝરત હફસા રદી.બિંતે ઉમર (રદી.) બિન અલ ખત્તાબ બિન નુફેલ બિન અબ્દુલ ઉઝ્‌ઝા બિન રયાહ બિન અબ્દુલ્લાહ બિન કુર્ત બિન રઝાહ બિન અદી બિન કા’બ બિન લુઈ , હુઝુર (સ.અ.વ.)સાહેબના ચોથા પુનીત પત્ની હતા. એમના નિકાહ હ.આયશા (રદી.)ના નિકાહ પછી થયા હતા. એમના પિતા પ્રસિદ્ધ સહાબી અને ઇસ્લામના બીજા ખલીફા હ.ઉમર (રદી.)હતા. એમની માતા પ્રસિદ્ધ સહાબી હ.ઉસ્માન બિન મઝુન (રદી.)ના બહેન હ.ઝેનબ બિંતે મઝુન હતા. એમનો જન્મ ઇસ ૬૦૫માં, જ્યારે કુરેશ મક્કામાં કાબા શરીફનું પુનઃ નિર્માણ (બાંધકામ) કરી રહ્યા હતા ત્યારે થયો હતો.
પયગંબર સાહેબ (સ.અ.વ.)ના નિકાહમાં આવ્યા એ પહેલાં હ.હફ્સાના લગ્ન હ.ખુનેસ બિન હુઝાફા બિન કૈસ બિન અદી બિન હુઝાફા અસસહમી (રદી.) સાથે થયા હતા, જેઓ પ્રારંભિક મુહાજીરો (હિજરત કરનારાઓ)માંથી હતા. બંને પતિ-પત્નીએ એકસાથે ઇસ્લામ સ્વીકાર્યો હતો અને એક સાથે મદીના મુનવ્વારા તરફ હિજરત કરી હતી. એમના પતિ બદરના યુદ્ધમાં જખમી થયા અને પછી મદીનામાં અવસાન પામ્યા. (એ વખતે અરબસ્તાનના રિવાજ મુજબ) હ.ઉમર (રદી.)એ હ.ઉસ્માન (રદી.) બિન અફ્ફાનને નિઃસંતાન વિધવા હ.હફસા સાથે લગ્ન કરી લેવા માટે કહેણ મોકલ્યું, કેમ કે એના થોડા સમય પહેલા જ હ.ઉસ્માન (રદી.)ના પત્ની (હુઝુર (સ.અ.વ.)ની દીકરી) હ.રુકૈયા (રદી.)નું અવસાન થઇ ચુક્યું હતું. પરંતુ હ.ઉસ્માન (રદી.)એ અત્યારે એમની ઈચ્છા નથી એમ કહી આ કહેણ નકારી દીધું હતું. હ.ઉમર (રદી.)એ હ.અબુ બક્ર સિદ્દીક (રદી.)ને લગ્નનું કહેણ મોકલ્યું. તેઓ જાણતા હતા કે હુઝુર (સ.અ.વ.) સાહેબ હ.હફસા સાથે લગ્નની ઈચ્છા ધરાવે છે એટલે તેઓ ચુપ રહ્યા. હ.ઉમર (રદી.)ને આનાથી ખોટું લાગ્યું અને તેઓ હુઝુર (સ.અ.વ.) સાહેબને આ બાબતની ફરિયાદ કરવા ગયા તો હુઝુર (સ.અ.વ.) સાહેબ એ જવાબ આપ્યો કે હ.હફસા (રદી.)ના લગ્ન હ.ઉસ્માન (રદી.)થી બહેતર વ્યક્તિ સાથે થશે અને હ.ઉસ્માન (રદી.)ના લગ્ન હ.હફસા રદી.થી બહેતર સ્ત્રી સાથે થશે.અને એ પછી એમના લગ્ન હુઝુર (સ.અ.વ.) સાહેબ સાથે શાબાન હિસ ૩/ફેબ્રુઆરી ઇસ.૬૨૫માં થયા અને તેઓ ઉમ્મુલ મોમીનીન બન્યા. ઇબ્ને હિશામે લખ્યું છે એમ હુઝુર (સ.અ.વ.) સાહેબએ બીજી પુનીત પત્નીઓની જેમ જ હ.હફસા (રદી.)ને ૪૦૦ દીરહમ મહેર આપી હતી. (ઇબ્ને હઝ્‌મે જવામેઅ અસ્સીરા, પૃ.૩૭માં લખ્યું છે કે હુઝુર (સ.અ.વ.) સાહેબએ દરેક પુનીત પત્નીને ૫૦૦ દિરહમ મહેર આપી હતી.) હ.ઉસ્માન (રદી.)ના લગ્ન હુઝુર (સ.અ.વ.) સાહેબના પુત્રી હ.ઉમ્મે કુલસુમ (રદી.) સાથે થયા જેથી એમનું ઉપનામ ‘ઝુન્નુંરેન’ (હુઝુર (સ.અ.વ.) સાહેબના નૂર રૂપી બે પુત્રીઓ સાથે લગ્ન કર્યા તેથી ‘બે નૂરવાળા’) પ્રસિદ્ધ થયું.
એમ.યાસર ખાનદમીર તુર્કીશ ઇસ્લામી એન્સાયકલોપીડિયામાં લખે છે એમ હ.હફસા (રદી.)ને હ.આયશા (રદી.) સાથે બહુ સારું બનતું હતું. તેઓ એકબીજાને ઘણી બાબતોમાં મદદ કરતા હતા. એક વખત એ બંનેએ શોધી કાઢ્યું કે હુઝુર (સ.અ.વ.) સાહેબ ઉમ્મે સલમા (રદી.) (અથવા હ.ઝેનબ બિંતે જહશ (રદી.)) પાસે વધારે સમય રોકાય છે એનું એક કારણ આ છે કે આ પુનીત પત્ની હુઝુર (સ.અ.વ.)સાહેબને મધનું શરબત આપતા હતા. હ.હફસા (રદી.)નો એક બીજો પ્રસંગ છે કે એક વખતે હુઝુર (સ.અ.વ.) સાહેબએ હ.હફસા (રદી.) (કે કોઈ અન્ય પત્ની)ને કોઈ રહસ્ય કહ્યું અને જ્યારે તેણી આ રહસ્યને રહસ્ય ન રાખી શક્યા અને હ.આયશા (રદી.)ને કહી દીધું, ત્યારે અલ્લાહે નબી (સ.અ.વ.)સાહેબને આ વાત જણાવી દીધી (જુઓ સુરઃ અત તેહ્રીમ ૬૬/૩). આ રહસ્ય હ.હફસા (રદી.) મનમાં રાખી શક્યા નહોતા અને તેથી હુઝુર (સ.અ.વ.)સાહેબએ એમને એક વખત તલાક આપી દીધા હતા. આ વાતની હ.ઉમર (રદી.)ને જાણ થઇ તો તેઓ અસ્વસ્થ થઇ ગયા હતા. કેમ કે તેઓ માનતા હતા કે અલ્લાહના રસુલ (સ.અ.વ.)સાહેબની વાત ન માનવી એ અલ્લાહની વાત ન માનવા બરાબર છે. એ જ વખતે અલ્લાહે હ.જિબ્રઈલ (અ.સ.)ને રસુલ (સ.અ.વ.)સાહેબ પાસે મોકલી તલાક ન આપવા કહ્યું, હ.જિબ્રઈલ અસ.એ રસુલ (સ.અ.વ.)સાહેબને ફરમાવ્યું ‘હફસા (રદી.) ખૂબ ઈબાદત કરે છે, રોઝા રાખે છે અને તેઓ જન્નતમાં તમારા પત્ની હશે” તેથી રસુલલ્લાહ (સ.અ.વ.)સાહેબએ તલાક ન આપી રજૂ કરી લીધું હતું. (નસાઈ, ‘તલાક’ ૭૬,હકીમ, ભાગ-૪, ૧૫).
હ.અબુ બક્ર સિદ્દીક (રદી.)ના ખિલાફતકાળમાં કુર્આનને ‘મુસહફ’ રૂપે સંગ્રહ કરવાનું કાર્ય હ.ઝૈદ બિન સાબિત (રદી.)એ ઉપાડ્યું હતું. એની નકલ હ. ઉમર (રદી.) પાસે અને એમની પાસેથી હ.હફસા (રદી.) પાસે આવી હતી. હ.ઉસ્માન (રદી.) કુર્આનની નકલો કરાવી વહેંચવા માંગતા હતા, એમણે હ.હફસા (રદી.) પાસેથી મૂળ મુસહફ લઇ એની નકલો કરાવી હતી અને મૂળ એમને પાછું આપી દીધું હતું. હફસા (રદી.) શિક્ષિત હતા. એવું કહેવાય છે કે એમણે કુર્આન મોઢે કર્યું હતું. એક સંદર્ભ મુજબ જ્યારે હ.ઉમર રદી. ખલીફા હતા ત્યારે એક વખત એમણે એક પતિના વિયોગમાં વિરહની વેદના જીરવતી સ્ત્રીના કંઠે વિરહ ગીત સાંભળ્યું ત્યારે એમણે હ.હફસા (રદી.)ને પૂછ્યું હતું કે એક સ્ત્રી પોતાના પતિનો કેટલો સમય વિયોગ સહન કરી શકે ? હ.હફસા (રદી.)એ જવાબ આપ્યો હતો કે ‘ત્રણ મહિના કે વધુમાં વધુ ચાર મહિના.’ હ.ઉમર રદી,એ એમના સૈન્ય કમાન્ડરોને આદેશ કર્યો હતો કે કોઈપણ સૈનિક ચાર મહિનાથી વધુ એની પત્નીથી દૂર રહેવો ન જોઈએ.
હ.હફસા (રદી.)એ કુલ સાઠ હદીસો રિવાયત કરી હતી. મુસ્લિમ અને બુખારીએ એમનાથી દસ હદીસો રિવાયત કરી છે. એમનાથી રિવાયત કરનાર સહાબામાં હ.અબ્દુલ્લાહ બિન ઉમર (રદી.) હ.હમઝા બિન અબ્દુલ્લાહ (રદી.) અને હમઝા (રદી.)ની પત્ની હ. સફિયા બિંતે અબી ઉબેદ (રદી.) ઉપરાંત બીજા ત્રણ તાબેઇનનો સમાવેશ થાય છે.
હ.હફસા (રદી.)નું અવસાન જમાદિલ અવ્વલ હિસ ૪૧માં અને બીજા એક સ્ત્રોત મુજબ શાબાન હિસ ૪૫ /ઈસ.૬૬૫માં હ.મુઆવિયા બિન અબુ સુફિયાન (રદી.)ના ખિલાફત કાળમાં થયું. એમની જનાઝાની નમાઝ મદીનાના શાસક મરવાન બિન અલ હકમે પઢાવી. એમને મદીનામાં જન્નતુલ બકી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. એમના ભાઈ હ.અબ્દુલ્લાહ બિન ઉમર (રદી.), હ.અબ્દુલ્લાહ (રદી.)ના પુત્રો સાલિમ અને હમઝા (રદી.) તથા આસિમ બિન ઉમર (રદી.)એ એમને કબરમાં ઉતાર્યા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts