એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીના ત્રાસથી પરિણીતાએ જીવનલીલા સંકેલી

યુપીની યુવતી લગ્ન બાદ અમદાવાદમાં રહેવા આવી પણ વતનના પ્રેમીએ તેનો પીછો છોડ્યો જ નહીં

અમદાવાદ, તા.૨૯
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. હકીકત માં એક તરફી પ્રેમમાં પાગલ યુવાન તેના પ્રેમ ને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આવો જ એક બનાવ શહેરના શાહપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. ઉત્તરપ્રદેશની યુવતી લગ્ન બાદ અમદાવાદમાં રહેવા માટે આવી. જોકે, તેના જ વતનના એક યુવાને તેનો પીછો છોડ્યો નહિ અને એટલી હદ સુધી પરેશાન કરી દીધી કે મહિલાએ આત્મહત્યા કરવી પડી. મહિલાના પિતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, એપ્રિલ ૨૦૧૯માં તેમની પુત્રીના લગ્ન કાનપુરના એક યુવાન સાથે થયા હતા. જો કે, લગ્ન બાદ તેઓ અમદાવાદના ખાનપુર ખાતે રહેવા માટે આવ્યા હતા. પરંતુ ફરિયાદીના ગામનો કનૈયા કુમાર રાજપૂત નામનો યુવાન મહિલાને વારંવાર ફોન કરીને પરેશાન કરતો હતો. જોકે, એક દિવસ તેને યુવતીને વિશ્વાસમાં લીધી કે તું મારી સાથે એક ટિક ટોક વીડિયો બનાવી લે, પછી હું તને કાયમ માટે ભૂલી જઈશ. જોકે, યુવતી ફરી એક વખત આ યુવાનની વાતોમાં આવી ગઈ હતી અને તેને વીડિયો બનાવ્યો હતો. પરંતુ કનૈયા કુમારે આ વીડિયો મહિલાના પતિને મોકલી આપ્યો હતો. આ નરાધમ મહિલાને વોઇસ મેસેજ કરીને પણ અતિશય ત્રાસ આપતો હતો. જ્યારે મહિલાની માતાએ આરોપીને ફોન પર મહિલાનો પીછો છોડી દેવા માટે કહ્યું ત્યારે તેને ધાક-ધમકી પણ આપી હતી. આરોપીના ત્રાસના કારણે અંતે મહિલાએ ૨૯મી જૂનના દિવસે ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેની તપાસમાં આરોપીએ મહિલાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરી હોય તેવું જાણવા મળતા અંતે મહિલાના પિતા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks