વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીનું કહેવું છે કે જો વોશિંગ્ટન તેહરાનનો પ્રસ્તાવ સ્વીકારે તો સાત દિવસમાં આ જળમાર્ગ ફરી ખુલી શકે છે
(એજન્સી) તા.૫
તેહરાનને તેના રાજદ્વારી પ્રસ્તાવ અંગે વોશિંગ્ટનનો જવાબ મળ્યાના થોડા દિવસો બાદ, રવિવારે ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર કાલિબાફે જણાવ્યું હતું કે, જ્યાં સુધી યુએસ સાથે જૂનમાં થયેલા વચગાળાના કરારમાં નિર્ધારિત સાત ઈરાની શરતો પૂરી ન થાય ત્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ફરી ખોલવામાં આવશે નહીં. કાલિબાફે કહ્યું, ‘અમેરિકનો, જેઓ મીડિયામાં કંઈક અલગ વાત કરે છે, તેમણે તાજેતરમાં મધ્યસ્થી દ્વારા પ્રસ્તાવો રજૂ કર્યા છે. પરંતુ તેમણે એ સમજવું જોઈએ કે પ્રક્રિયાને લંબાવવાનો અને એકતરફી માંગણીઓ લાદવાનો સમય હવે પૂરો થઈ ગયો છે.’ ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ અને મક્કમ છે, અને જ્યાં સુધી ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (સમજૂતી કરાર) પર આધારિત અમારી સાત શરતો પૂરી ન થાય ત્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુની ખોલવામાં આવશે નહીં.’ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ રવિવારે અલગથી જણાવ્યું હતું કે વોશિંગ્ટન સાથેના વિવાદને ઉકેલવા માટે તેહરાન દ્વારા રજૂ કરવામાં આવેલી યોજના જો સ્વીકારવામાં આવે તો હોર્મુઝની સામુદ્રધુની સાત દિવસમાં ફરી ખુલી શકે છે. તેહરાનમાં વિદેશી રાજદૂતો અને રાજદ્વારીઓને સંબોધતા અરાકચીએ કહ્યું કે ઈરાને જળમાર્ગ ફરી ખોલવા માટેની તેની શરતો સ્પષ્ટપણે સમજાવી દીધી છે અને તે શરતો એવી પ્રતિબદ્ધતાઓ સાથે જોડાયેલી છે જે યુનાઈટેડ સ્ટેટ્સે સ્વીકારવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, તેહરાનને આશા છે કે વોશિંગ્ટન મુત્સદ્દીગીરીનો માર્ગ પસંદ કરશે, પરંતુ ચેતવણી આપી હતી કે જો યુનાઈટેડ સ્ટેટ્સ ફરીથી લશ્કરી કાર્યવાહીનો માર્ગ પસંદ કરશે તો ઈરાન જવાબ આપવા માટે તૈયાર છે. અરાકચીએ કહ્યું, ‘જો તેઓ ફરીથી લશ્કરી ઉકેલો તરફ આગળ વધશે, તો અમે પહેલા કરતા વધુ તૈયાર છીએ અને અમારી સુરક્ષા માટે જે પણ જરૂરી પગલાં લેવા પડશે તે લઈશું.’