ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન સામે ૧-૩થી પરાજય; પી.વી. સિંધુ અને ઉન્નતિ હૂડાની હાર બાદ ત્રીસા-ગાયત્રી જોડીની શાનદાર જીત પણ ટીમને ન બચાવી શકી
તા.૨૨
નાગોયા (જાપાન) ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન સામે ૧-૩થી પરાજય થયો છે. ઇચિનોમિયા સિટી મ્યુનિસિપલ જીમ્નેશિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઉચ્ચ રેન્કિંગ ધરાવતી મજબૂત જાપાનીઝ ટીમ સામે ભારતીય ખેલાડીઓએ બહાદુરીપૂર્વક લડત આપી હતી, પરંતુ આખરે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજય સાથે એશિયન ગેમ્સમાં બેડમિન્ટનમાં મેડલ મેળવવાની ભારતની ૧૬ વર્ષની રાહ વધુ લંબાઈ છે. આ પહેલાં ભારતે ૨૦૧૪ની ઇન્ડોનેશિયા એશિયન ગેમ્સમાં જાપાન સાથે સંયુક્ત રીતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મંગળવાર, ૨૨ સપ્ટેમ્બરના રોજ રમાયેલી આ મેચમાં ભારત માટે શરૂઆતથી જ મુકાબલો કઠિન માનવામાં આવતો હતો, કારણ કે જાપાનની ટીમમાં વિશ્વની ટોપ-૧૦ રેન્કિંગ ધરાવતી અનેક ખેલાડીઓ સામેલ હતી. પ્રથમ સિંગલ્સ મેચમાં ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુનો સામનો વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી અકાને યામાગુચી સામે થયો હતો. ૨૬ મિનિટ ચાલેલી પ્રથમ ગેમમાં સિંધુએ કમબેક કરીને ૨૩-૨૧થી જીત મેળવી હતી. જોકે, ત્યારબાદ અગ્રેસિવ શૈલી અપનાવવામાં સિંધુથી કેટલીક ભૂલો થઈ હતી, જેના કારણે યામાગુચી બીજા ગેમમાં ૧૮-૨૧થી અને નિર્ણાયક ત્રીજી ગેમમાં ૧૧-૨૧થી વિજયી રહી હતી. સિંધુની હાર બાદ ભારતની મુશ્કેલીઓ વધી ગઈ હતી. બીજી સિંગલ્સ મેચમાં યુવા ખેલાડી ઉન્નતિ હૂડા વિશ્વની ૭મા નંબરની ખેલાડી ટોમોકા મિયાઝાકી સામે સીધી ગેમ્સમાં ૧૬-૨૧ અને ૧૧-૨૧થી હારી જતાં ભારત ૦-૨થી પાછળ ફેંકાઈ ગયું હતું. ત્યારબાદ વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા જોડી ત્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે અદ્ભુત રમત બતાવીને વિશ્વની ત્રીજા નંબરની જોડી યુકી ફુકુશિમા અને માયુ માત્સુમોટોને ૨૧-૧૭, ૨૧-૧૬થી હરાવી ભારત માટે આશા જીવંત રાખી હતી. પરંતુ ત્રીજી સિંગલ્સ મેચમાં તન્વી શર્મા પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારા સામે ૧૨-૨૧, ૧૦-૨૧થી હારી જતાં ભારતીય ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. હવે સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનનો સામનો દક્ષિણ કોરિયા સામે થશે.