એશિયન ગેમ્સ : લક્ષ્ય સેનનું અદ્ભુત પ્રદર્શન, ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે સતત બીજી વખત મેડલ પાકો કર્યો

ક્વાર્ટર ફાઇનલમાં જાપાન સામે ૩-૦થી ભવ્ય વિજય મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ; લક્ષ્ય સેનની રોમાંચક જીત બાદ સાત્વિક-ચિરાગ અને આયુષ શેટ્ટીનો દમદાર વિજય

 

તા.૨૨
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે ક્વાર્ટર ફાઇનલમાં યજમાન જાપાનને ૩-૦થી ધૂળ ચાટતાં સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ ભારતે ટુર્નામેન્ટમાં દેશ માટે વધુ એક મેડલ પાકો કરી લીધો છે. ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ પુરુષ ટીમે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં પોતાનો મેડલ નિશ્ચિત કર્યો છે. ઇચિનોમિયા સિટી મ્યુનિસિપલ જીમ્નેશિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારત તરફથી લક્ષ્ય સેને શાનદાર શરૂઆત અપાવી હતી. વિશ્વના ૭મા નંબરના ખેલાડી કોડાઈ નારાઓકા સામે પ્રથમ ગેમ ૧૧-૨૧થી ગુમાવ્યા બાદ લક્ષ્ય સેને અદ્ભુત પુનરાગમન કર્યું હતું. દર્શનીય ડિફેન્સ અને ધૈર્યપૂર્ણ રમત બતાવીને તેણે બાકીની બે ગેમ ૨૧-૫ અને ૨૧-૧૯થી જીતી લીધી હતી. ૧ કલાક અને ૬ મિનિટ ચાલેલા આ રોમાંચક મુકાબલામાં ૦-૧થી પાછળ રહ્યા બાદ લક્ષ્યની આ જીતે ભારતીય ટીમનો ઉત્સાહ બમણો કરી દીધો હતો. લક્ષ્ય સેને અપાવેલી ૧-૦ની સરસાઈ બાદ પ્રથમ ડબલ્સ મુકાબલામાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન હોકી તાકુરો અને કોબાયાશી યુગોની જોડીને ૨૧-૧૮, ૨૪-૨૨થી હરાવીને ભારતને ૨-૦થી આગળ કરી દીધું હતું. ત્યારબાદ બીજી સિંગલ્સ મેચમાં યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ વિશ્વના ૧૬મા નંબરના ખેલાડી કોકી વાતાનાબેને ૨૧-૧૦, ૨૧-૧૯થી સીધી ગેમ્સમાં હરાવીને ભારતની ૩-૦થી જીત નિશ્ચિત કરી હતી. હવે બુધવારે રમાનારી સેમિફાઇનલમાં ભારતનો સામનો ચીન અને કોરિયા વચ્ચેની ક્વાર્ટર ફાઇનલના વિજેતા સામે થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks