એશિયાડમાં કચ્છી યુવતીએ ૧૦૦ મી. તથા ૨૦૦ મી. રેસમાં જીત્યા બે કાંસ્ય ચંદ્રક

 

(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૩૦
જાપાનના નાગોયા શહેરમાં યોજાઈ રહેલ એશિયન્સ ગેમ્સ અંતર્ગત મીઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં યોજાયેલ ૨૦૦ મીટર દોડમાં તથા ૧૦૦ટ૪ રીલે મિક્સડ દોડમાં મૂળ કચ્છની હરિતા ભદ્રાએ બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે.ભૂજથી આશરે ૭૫ કિ.મી. દૂર આવેલ નાનકડા રવા ગામ (તા.અબડાસા)ના મૂળ રહેવાસી કિર્તનભાઈ ભદ્રા (ભાનુશાલી)ની ૨૩ વર્ષીય પુત્રીને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બબ્બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતા કચ્છના ભાનુશાલી સમાજ સહિત સમગ્ર જિલ્લામાં ગર્વની લાગણી પ્રસરી છે.ભાનુશાલી સમાજના અગ્રણી ગોવિંદભાઈએ ‘ગુજરાત ટુડે’ને વિગતો આપતા જણાવ્યું હતું કે, હરિતા ભદ્રાનો પરિવાર મૂળ કચ્છનો છે તેમના દાદા રવા ગામમાં ખેડૂત હતા. તેમના પિતા કિર્તનભાઈ હાલે ઘાટકો પર (મુંબઈ)માં કાપડનો વ્યવસાય કરી રહ્યા છે. ગોવિંદભાઈએ કહ્યું કે, હરિતાને બચપનથી રમત-ગમત પ્રત્યે અનેરો લગાવ છે. તે સતત સખત મહેનત કરે છે, સંઘર્ષ કરે છે. તેનું સ્વપ્ન હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેને મેડલ પ્રાપ્ત થાય. હવે તેણીનું એ સ્વપ્ન પુરૂં થયું છે. અલબત્ત હજી વધુ મહેનત કરી આગળ વધી તેણી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાનું ધ્યેય ધરાવે છે. ૨૦૦ મીટર આ દોડમાં ગોલ્ડ મેડલ સિંગાપુરની શાંતિ પરેરા, સિલ્વર મેડલ ચીનની ચેન યુજીને અને બ્રોન્ઝ મેડલ હરિતા ભદ્રાને પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત ૧૦૦ મીટરટ૪ રીલે મિક્સડ દોડમાં પણ હરિતા ભદ્રાએ વધુ એક કાંસ્ય ચંદ્રક મેળવેલ છે. ૧૦૦ટ૪ મિક્સડમાં ગુરીન્દર સિંહ, એભિષેક કુજુર, સ્નેહા સત્યનારાયણ, હરિતાના સાથી રહ્યા હતા. કચ્છી યુવતીએ એથ્લેટિક્સમાં બે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરી કચ્છનું ગૌરવ વધાર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks