નવી દિલ્હી,તા.૧૪
ઘાતક કોરોના વાયરસના બચાવની એક રીતે સોશિયલ ડિસ્ટેન્સિંગ છે અને મહાન સ્પ્રિંટર ઉસેન બોલ્ટે તેને લઈને સોશિયલ મીડિયા પર પોતાનો જૂનો ફોટો ટ્વીટ કર્યો છે. ચીનથી ફેલાયેલા ખતરનાક વાયરસથી બચાવ માટે ઘણા દેશોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ એટલે કે લોકોને જરૂરી અંતર જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
બોલ્ટે સોમવારે ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિલની પોતાની ઐતિહાસિક તસવીર પોસ્ટ કરી જ્યારે તેણે ૧૦૦ મીટરની ફાઇનલમાં જીત હાંસિલ કરી અને રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ઈસ્ટ પર પોતાના ફેન્સને શુભેચ્છા પણ આપી હતી. બોલ્ટે ૨૦૦૮ ઓલિમ્પિક ગેમ્સમાં બેઇજિંગના બર્ડ નેસ્ટ સ્ટેડિયમમાં પુરૂષોની ૧૦૦ મીટર દોડની ફાઇનલ જીતી હતી, જે રેસ તેણે માત્ર ૯.૬૯ સેકન્ડમાં પૂરી કરી વર્લ્ડ અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો.
જમૈકાના આ દિગ્ગજ દોડવીરે ન માત્ર રેસ જીતી પરંતુ તે અમેરિકાના સ્પ્રિંટર રિચર્ડ થોમ્પસનથી ૦.૨૦ સેકન્ડ આગળ રહ્યો હતો. થોમ્પસન બીજા નંબર પર રહ્યો હતો. ૩૩ વર્ષીય બોલ્ટે આ જૂની તસવીરનો ઉપયોગ તે જણાવવા માટે કર્યો છે કે કઈ રીતે આ મુશ્કેલ સમયમાં દરેકે અન્ય લોકોથી ચોક્કસ અંતર જાળવવું જોઈએ.