જામનગર, તા.રર
દ્વારકા જિલ્લા રમત-ગમત અધિકારી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ તથા મત્સ્યોદ્યોગ વિભાગની રાહબરી નીચે ૩૯મી ‘સમુદ્ર મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા-ર૦૧૮’નું આયોજન આગામી તા.૧પ-ફેબ્રુઆરીએ ઓખાની દામજી જેટીથી બેટ-દ્વારકા સુધી કરાયું છે. આ હોડી સ્પર્ધાનો ઉદ્દેશ સાગરકાંઠા વિસ્તારમાં વસતા સાગર ખેડૂં તરીકે ઓળખાતા ફીશીંગ બિઝનેસ સાથે જોડાયેલ સાહસિક યુવાનોને પ્રોત્સાહન આપવાનો હોય, આગામી તા.૧પ-ફેબ્રુઆરીએ સવારે ઓખા-બેટ દ્વારકાના દરિયામાં આ સ્પર્ધા યોજાશે. જે અંતર્ગત હલેસા વગરની માત્ર સઢવાળી હોડીઓ વચ્ચે પવનની દિશા મુજબ હોડી હંકારી ઓખા બંદરેથી રેસ શરૂ કરી બેટ ટાપુને ફરતે ચક્કર લગાવી આશરે ૪૦ કિ.મી.નો દરિયો ખેડી પરત ઓખા બંદરે ફરવાનું રહેશે. એક હોડીમાં ફક્ત ત્રણ ખલાસીઓએ રીતે સઢવાળી હોડીઓના ખલાસીઓનું મેડિકલ ચેકઅપ પણ સ્પર્ધા પહેલાં કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગે સમગ્ર ઓખા બંદરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટર, કમિશ્નર સહિત અગ્રણીઓને ફીશરમેન એસો. દ્વારા આમંત્રણ પાઠવવામાં આવનાર છે.