(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ ઓગસ્ટ મહિનાના અંતે નિવૃત્ત થઈ રહ્યા હોઈ તેમના સ્થાને નવા મુખ્ય સચિવ આવશે કે પછી તેમને એક્ષટેન્શન મળશે તે અંગેની અટકળો બાદ આજે સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે તેમનું એક્ષટેન્શન મંજૂર રાખતા તમામ અટકળોનો અંત આવ્યો છે. જો કે ચીફ સેક્રેટરી અનિલ મુકીમની કામગીરી જોતા તેમને એક્ષટેન્શન મળશે તેમ ચોક્કસ મનાતું હતું.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને ૬ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે રાજ્ય સરકાર હાલના મુખ્ય સચિવનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મુકીમને એક્સટેન્શન આપવા માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી હતી. જેના પર કેન્દ્ર સરકારે મહોર મારી દેતા રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે. મુકીમ આ મહિનાના અંતે વયનિવૃત્ત થઇ રહ્યા હતા. ૧૯૮૫ બેચના ૈંછજી અધિકારી મુકીમ આઠ મહિનાથી વધુ સમયથી મુખ્ય સચિવ પદે છે અને સરકારમાં તેમના મિતભાષી સ્વભાવને કારણે બધાંની સાથે ફાવી ગયું છે. આમ હવે તેઓ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી રાજ્યના મુખ્ય સચિવ પદે રહેશે. મુકીમનું પૈતૃક વતન રાજસ્થાન છે પરંતુ તેઓની જન્મ અને કર્મભૂમિ અમદાવાદ રહી છે. આ ઉપરાંત તેઓ દોઢ વર્ષ સુધી અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પદે પણ રહી ચૂક્યા છે. ઓક્ટોબર ૨૦૦૧થી જાન્યુઆરી ૨૦૦૫ સુધીના સાડા ત્રણ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મુકીમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના રમખાણો અને મોદીના મુખ્યમંત્રી બન્યા બાદની ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી પણ યોજાઇ હતી. આ દરમિયાન મુકીમે ખંતથી કામ કરી મોદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. સાથે સાથે અનિલ મુકિમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે વખતે નાણાં,મહેસૂલ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ નિભાવી ચૂક્યાં છે એટલે અમદાવાદ જ નહી,રાજ્યના વહીવટી તંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે.