(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
સુરત જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા આયોજીત ઓપન હાઉસ એન.એ.ના કાર્યક્રમમાં ૬૮ જેટલી ફાઈલો પર ઓર્ડર કરવામાં આવ્યા હતા.જેના થકી સરકારી તિજોરીમાં રૂ.૩૩.૫૯ કરોડનું પ્રિમિયમ જમા થવા પામ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારની સુચના પ્રમાણે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ દ્વારા પણ ઓપન હાઉસનું આયોજન કરવમાં આવી રહ્યું છે. સપ્તાહની શરૂઆતની સાથે જ કલેકટર દ્વારા સોમવારના રોજ ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ હેઠળની જમીનનો બિનખેતી ઉપયોગ કરવા માટે બિનખેતની અરજીઓનો નિકાલ તથા ગણોતધારાની કલમને આધીન તથા પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન હેતુફેર કરવા અંગે તેમજ ગામ નોકરિયાત-રિગ્રાન્ટંપ્રકારની નવી શરતની જમીન હેતુફેર કરવા અંગે અરજીઓનો નિકાલ કરવા ઓપન હાઉસ કાર્યક્મ આજે કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં અરજીઓના મંજૂરી પત્રો તથા હુકમોનું સબંધિત ખાતેદારો-કબજેદારોને કલેકટર કચેરીમાં રૂબરૂ બોલાવી વિતરણ કરવામાં આવ્યો હતો. કુલ ૬૮ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં બિનખેતી જમીનનું કુલ ક્ષેત્રફળ ૨,૦૯,૧૧૯.૭૫ ચો.મી. અને હેતુફેર થયેલી જમીનનું કુલ પ્રીમિયમ રૂ.૩૩.૫૯ કરોડ થાય છે.