મૌખિક સૂચનાઓના આધારે દાખલ થયેલી અરજીમાં કોઈ લેખિત આદેશ ન હોવાનું કોર્ટનું અવલોકન
(એજન્સી) કોલકાતા, તા.૧૯
કલકત્તા હાઇકોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળભરની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર અને માઈક્રોફોન હટાવવાના વિરોધમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)ને ફગાવી દીધી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસની મૌખિક સૂચનાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ તપોવ્રત ચક્રવર્તી અને જસ્ટિસ અતરૂપ બેનરજીની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. ૧૦ ઓગસ્ટના રોજ દાખલ કરાયેલી આ પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોઈ પણ ઔપચારિક લેખિત આદેશ કે કાનૂની નોટિસ આપ્યા વિના, માત્ર મૌખિક નિર્દેશોના આધારે રાજ્યભરની મસ્જિદોમાંથી સ્પીકરો ઉતારી લેવામાં આવી રહ્યા છે. અરજદારોએ વહીવટીતંત્રની આ મનસ્વી કાર્યવાહી સામે હાઇકોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. કેટલાક જિલ્લાઓમાં મસ્જિદ કમિટીઓએ પોલીસ દ્વારા લેખિત ઓર્ડર વગર જ સ્પીકર હટાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો કરી હતી, જેના કારણે આ વિવાદ વધુ ઘેરો બન્યો હતો. સુનાવણી દરમિયાન વરિષ્ઠ એડવોકેટ કલ્યાણ બેનરજીએ આ બાબતને ‘અત્યંત તાકીદની’ ગણાવી હતી. જો કે, હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અરજીમાં પોલીસ કે સરકારનો એવો કોઈ ચોક્કસ લેખિત આદેશ રજૂ કરવામાં આવ્યો નથી જેને કાનૂની રીતે પડકારી શકાય. આ ઉપરાંત અદાલતે એમ પણ સ્પષ્ટ કર્યું કે આ અરજી મોટા ભાગે અખબારી અહેવાલો અને સામાન્ય અવલોકનો પર આધારિત છે. અરજદારોએ આશરે ૪૦૦૦ જેટલી મસ્જિદો દ્વારા ઉઠાવવામાં આવેલા વિરોધનો સંદર્ભ આપ્યો હતો પરંતુ કોર્ટે ટાંક્યું હતું કે, તેમાંથી મોટા ભાગની મસ્જિદો આ કાનૂની કાર્યવાહીમાં પક્ષકાર (Parties) તરીકે જોડાવામાં આવી ન હતી. બીજી તરફ મસ્જિદ કમિટીઓ અને સમુદાયના પ્રતિનિધિઓનું કહેવું હતું કે, તેઓ પહેલાથી જ નિયત અવાજની મર્યાદા (Noise limits)નું પાલન કરી રહ્યા છે, તેમ છતાં તેમને માઈક્રોફોન સંપૂર્ણપણે હટાવી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. હાઇકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાતાં આ મામલે તાત્કાલિક કાનૂની પડકારનો અંત આવ્યો છે. જો કે, પોલીસની મૌખિક સૂચનાઓ અને મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા અંગેનો વિવાદ હજુ પણ વણઉકેલાયેલો જ રહ્યો છે.