(એજન્સી) તા.ર૨
કન્નડ સંગઠનોના સમૂહે રપ જાન્યુઆરીના રોજ કર્ણાટક અને ૪ ફેબ્રુઆરીના રોજ (કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લુરૂ આવી રહ્યા છે) બેંગ્લુરૂ બંધ રાખવાનું નક્કી કર્યું છે. તેઓની માગણી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્સા-બન્દૂરી અને મહાદયી નદીઓના પાણી વહેંચણી મુદ્દે મધ્યસ્થી કરવી જોઈએ. આ નિર્ણય વિવિધ કન્નડ સંગઠનો અને કલ્સા-બન્દૂરી આંદોલન સમિતિ વચ્ચેની બેઠકમાં રવિવારે લેવાયો હતો. આ બેઠકનું નેતૃત્વ વતાલ પક્ષ પ્રમુખ વતાલ નાગરાજ દ્વારા લેવામાં આવ્યો હતો.
વતાલ નાગરાજ દ્વારા બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદને કલ્સા-બન્દૂરી હોશતા સમન્વય સમિતિએ માગણી કરી હતી કે વતાલ ફેબ્રુઆરી ૪ના રોજ કર્ણાટક બંધનું એલાન મોકૂફ રાખે. આ દિવસે વડાપ્રધાન મોદી પરિવર્તન રેલીને સંબોધવા બેંગ્લુરૂ આવી રહ્યા છે. આ પછી વતાલે પત્રકાર-પરિષદ બોલાવીને જાહેર કર્યું કે, કર્ણાટક રપ જાન્યુઆરીના દિવસે સવારના ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી બંધ રહેશે. આ બંધનો ઉદ્દેશો કલ્સા-બન્દૂરી આંદોલનને પૂરા થયેલા ૯૧પ દિવસની યાદગીરી અને વડાપ્રધાન મોદી ઉપર મધ્યસ્થી માટે દબાણ કરવાનું છે.
જ્યારે વતાલે રપ જાન્યુઆરીના રોજ કર્ણાટક બંધનું એલાન કર્યું ત્યારે તેમણે દક્ષિણ કર્ણાટકના નેતાઓ અને સમિતિના સભ્યો તરફથી ઉગ્ર પ્રતિસાદનો સામનો કરવો પડ્યો. સમિતિના સભ્યોએ વતાલને પ્રશ્ન કર્યો કે તેમણે કર્ણાટક બંધ માટે રપ જાન્યુઆરીનો દિવસ કેવી રીતે નક્કી કર્યો. આ વિશે તેમણે સમિતિ સાથે મંત્રણા કરી નથી કે જે છેલ્લા અઢી વર્ષથી આ મુદ્દાઓ માટે વિરોધ-પ્રદર્શન કરી રહી છે. સમિતિના સભ્યોએ દલીલ કરી કે હુબલી-ઘરવાડમાં ગયા મહિને બે બંધ હતા. બંધ ખરેખર તો તેમની અસરકારતા ગુમાવી ચૂકયા છે. એક વધારે બંધ એટલે ફરીથી સામાન્ય જનજીવનમાં હેરાનગતિ પરંતુ પાછળથી કન્નડ સંગઠનો અને સમિતિના સભ્યો વચ્ચે બંધબારણે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે રપ જાન્યુઆરીએ કર્ણાટક બંધ રહેશે જ્યારે વડાપ્રધાન મોદીના આગમનના દિવસે (૪ ફેબ્રુઆરી) બેંગ્લુરૂ બંધ રહેશે. વતાલે કહ્યું હતું કે, રપ જાન્યુઆરીએ સંપૂર્ણ બંધ પાળવામાં આવશે કારણ કે તેઓ સરકારી કાર્યાલયો, શાળાઓ, કોલેજો, બસો અને પેટ્રોલ પંપોને કાર્ય કરવા નહીં દે. આ બંધને ર૩૦૦થી પણ વધારે સંગઠનોએ સમર્થન આપ્યું છે. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, ૪ ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદીને એક ગ્લાસ પાણી પણ નહીં મળે. વિરોધ કરનારાઓએ દાવો કર્યો કે અમારો વિરોધ કોઈ રાજકીય પક્ષ સામે નથી જ્યાં રાહુલ ગાંધી રેલી કરવાના છે ત્યાં પણ તેઓ કાળા વાવટાં ફરકાવીને વિરોધ વ્યક્ત કરશે. કન્નડ સંગઠનો ઈચ્છે છે કે, રાહુલ ગાંધી ગોવા કોંગ્રેસના નેતાઓને કહે કે તેઓ કલ્સા-બન્દૂરી યોજનાનો વિરોધ ન કરે.