(સંવાદદાતા દ્વારા) છોટાઉદેપુર, તા.૯
કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં થતાં દુકાનોના બાંધકામથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણ ઊભી થાય છે. જે મુદ્દે વિદ્યાર્થીઓ અને આદિવાસી આગેવાનો દ્વારા આજરોજ શિક્ષણનો બહિષ્કાર કરી વિદ્યાર્થીઓ શાળાની બહાર ઊભા રહ્યા અને દુકાનોનું કામ બંધ ન થાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપતું આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરાયું છે..! આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને રમત-ગમત રમવાના મેદાનમાં દુકાનોનું બાંધકામ કરી રૂપિયા ભેગા કરવાનો કારસો કેળવણી મંડળ દ્વારા કરવામાં આવતો હોવાનું જાણી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર દ્વારા ગ્રામ પંચાયતને જણાવી તા. ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ હાઈસ્કૂલને બાંધકામ બંધ કરવા નોટીસ આપી હતી. આ કામ તત્કાલ પૂરતું બે માસ બંધ રહ્યું બે માસ બાદ ફરી આ બાંધકામ શરૂ થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આદિવાસી આગેવાનોને પોતાના અને પોતાના બાળકોના અભ્યાસમાં અડચણ ઊભી થશે તેમ લાગતા આજરોજ શાળાના ધો.૮થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ શાળાના ગેટ બહાર શિક્ષણનો ત્યાગ કરીને નીકળી ગયા હતા. ત્યારબાદ કવાંટ ઇંગ્લિશ હાઈસ્કૂલથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.