(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૧૬
કાણોદર ખાતે રહેતા અને ખેતી તથા ખેતી ઉપયોગી સાધનો સાથે સંકળાયેલા આશીક હુસૈને પોતાના વર્કશોપમાં ટ્રોલીમાંથી જ છાણીયુ ખાતર લીલુ અને સૂકું ફક્ત સાત મિનિટમાં ખેતરમાં છંટકાવ કરતા યંત્રની શોધ કરી સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. તેમજ કેનેડા ,ઓસ્ટ્રેલિયા ,યુ.કે. તથા જર્મની બાદ ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર યંત્ર હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. જે યંત્ર જોઇ ખેડૂતોમાં ખુશી ફેલાવા પામી છે.
બનાસકાંઠાના કાણોદર ખાતે સ્થાયી થયેલા આશીક હુસૈન મોહમ્મદ અલી ગની (ઉં.વ.૬૮) મધ્યમવર્ગ ના પરિવારમાં ઉછરેલા છે. જેમનું કુટુંબ વર્ષોથી ટેક્નિકલ અને ખેતી ઉપયોગી યંત્રોમાં નવું નવું પરિવર્તન કરતુ રહે છે. આશીક હુસૈન અને તેમના ભાઇઓએ વીસ વર્ષ પહેલા પાણીનો બોર ફેલ થઇ જાય તો બોરમાં નાખેલી પાઇપો કાઢવા નું મશીન બનાવ્યું હતું અને ખેડૂતોને બોરવેલ માં થતી વધુ નુકસાની ભોગવતા બચાવ્યા હતા. ત્યારબાદ પરિવારથી અલગ થયેલા આશીક હુસૈન મોટાભાગે ખેડૂતો સાથે સંકળાયેલા રહ્યા છે. ત્યારે ખેડૂતોને અત્યારના આધુનિક યુગમાં પણ ખેતરમાં છાણીયુ ખાતર નાખવા માટે ટ્રેક્ટર વડે અલગ અલગ ઢગલા કરી નાખતાં જોઇ ખેડૂતોને કરવી પડતી મંજૂરી અને સમયનો વ્યય થતો જોઇ તેઓને આ પ્રકારનું યંત્ર બનાવવાનો વિચાર આવ્યો. ત્યારબાદ તેમના પુત્ર સમીર(મિકદાદ) તેના પિતરાઇ ઝહિર અને મુજાહિદ ને ગૂગલ પર સર્ચ કરવા જણાવ્યું અને તે આ વિચાર લઇ ભારતના પંજાબ , હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે મોટી ખેતી વાળા વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લીધી તો ત્યાં પણ છાણીયુ ખાતર મજૂરીથી જ નાખવામાં આવતું હતું અને તેમાં સાત થી આઠ દિવસ જેટલો સમય લાગતો હોવાથી ખાતર માં રહેલા પોષક તત્વો પોટાસ , ફોસ્ફરસ , સલ્ફર જેવા તત્વો નો નાશ થતો હોવાથી ઝડપી ખાતર નાખવા માટેના યંત્ર ફક્ત કેનેડા,ઓસ્ટ્રેલિયા,યુ.કે. તેમજ જર્મની જેવા દેશોમાં જ હોવાની માહિતી મળી હતી. તેમજ તે દેશોમાંથી આ યંત્ર ભારતમાં લાવવા માટે મોટો આર્થિક ખર્ચ કરવો પડતો હોવાથી આશીક હુસૈને કાણોદર ખાતે જ એક ગોડાઉન ભાડે રાખી નવેમ્બર ૨૦૧૬ થી છાણીયા ખાતરનો છંટકાવ ખેતરમાં કરવા માટેનું યંત્ર બનાવવાનું શરૂ કર્યું અને ચૌદ મહિના બાદ સુકુ અને લીલુ છાણીયા ખાતરમાં રહેલા મોટા ઢેફા ભાગી ફક્ત સાત મિનિટમાં જ એક ટ્રોલી ભરી ખાતરનો છંટકાવ કરતાં યંત્રની શોધમાં સફળતા મળી અને સમગ્ર ખેડૂતો માટે એક ક્રાંતિકારી શોધ કરી. જેથી પંથકના ખેડૂતોમાં ખુશી ફેલાવા પામી હતી.
કઈ રીતે કામ કરે છે આ યંત્ર
પ્રથમ નજરે ટ્રેક્ટરની ટ્રોલી જેવું દેખાતા આ યંત્રમાં સ્પેશિયલ હાઈડ્રોલિક સિસ્ટમ અને ગીયર બોક્ષ ની એવી રીતે ગોઠવણી કરવામાં આવી છે. જેના લીધે ટ્રોલીમાં રહેલું ખાતર ઓટોમેટિક પાછળ ધકેલાય છે. જ્યા ખાતરમાં રહેલા મોટા ઢેફા ભાગીને ખેતરમાં છંટકાવ કરે છે.