(એજન્સી) તા.રર
અફઘાનનિસ્તાનના પાટનગર કાબુલમાં આવેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલમાં બંદૂકધારી સમૂહોએ ત્યાં હાજર રહેલા મહેમાનો પર બેફામ ગોળીબાર કર્યો હતો. અફઘાન ઇન્ટેલિજન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૪ હુમલાખોરો ઇમારતની અંદર ઘૂસી આવ્યા હતા અને તેઓએ બેફામ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જોકે સ્થાનિક ટોલો ન્યૂઝ એજન્સીના જણાવ્યાનુસાર મૃતાંક લગભગ ૪૩ને પણ વટાવી ગયો છે. હોટલ મેનેજર અહેમદ હારીસ નાયાબે કહ્યું કે હું બચી ગયો. હુમલાખોરો કિચન મારફતે હોટલના મુખ્ય કક્ષમાં ઘૂસી ગયા હતા અને તેમણે બેફામ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જોકે આ ઘટનામાં કાલ સુધીમાં મૃતાંક ૧૭ દર્શાવાયો હતો પરંતુ સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલો અનુસાર મૃતાંક ૪૩થી વધુ છે. જોકે સેંકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા જેમને મુક્ત કરાવી લેવામાં આવ્યા છે. આંતરિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે કેટલાક દિવસ અગાઉ જ અમેરિકી એમ્બેસી પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી અને તેના બાદ જ આ હુમલો કરવામાં આવ્યો છે. જોકે તાલિબાની આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અફઘાનિસ્તાનના જુદા જુદા વિસ્તારોમાં આતંકી હુમલા વધી રહ્યાં છે. ત્યાં આઇએસ તથા તાલિબાની આતંકીઓની હાજરી મોટાપાયે વધી રહી છે અને બંને સંગઠનો દ્વારા અવારનવાર આતંકી હુમલા કરવામાં આવી રહ્યાં છે. જોકે આ હુમલા વખતે ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે આ હોટલમાં કેટલાક વિદેશી નાગરિકો પણ હાજર હતા. જોકે તેમની ઓળખ વિશે કોઇ માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ એક ટોચ પર આવેલી હોટલ છે અને તે ખૂબ જ પ્રખ્યાત હોટલ છે. છેલ્લે ર૦૧૧માં પણ તાલિબાની આતંકીઓ દ્વારા આ હોટલને નિશાને લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ર૧ જાન્યુઆરીના રોજ ઇન્ફર્મેશન ટેકનોલોજીની કોન્ફરન્સનું આયોજન થવાનું હતું અને તેમાં ભાગ લેવા માટે ૧૦૦ જેટલા આઈટી મેનેજરો આ વિસ્તારની બે મુખ્ય હોટલોમાં રોકાયા હતા. આ માહિતી ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયના અધિકારીઓએ આપી હતી. જોકે આ હુમલો પણ એવા સમયે થયો છે જ્યારે યુએનએસસીના સભ્યો કાબુલની મુલાકાતે આવવાના હતા અને અફઘાનિસ્તાનની સ્થિતિનું આકલન કરવાના હતા.