અમદાવાદ, તા.ર
સરકાર અને નાગરિકો વચ્ચે મહત્ત્વની સેતુરૂપ ભૂમિકા અદા કરતા રાજ્ય સરકારના માહિતી વિભાગના જિલ્લાના અને વડી કચેરીના અધિકારીઓની મહત્ત્વપૂર્ણ બેઠક આજરોજ સર્કિટ હાઉસ, ગાંધીનગર ખાતે સંપન્ન થઈ હતી.
મુખ્યમંત્રીના સચિવ અને માહિતી-પ્રસારણ વિભાગના સચિવ અશ્વિનીકુમારે માહિતી કર્મીઓને જણાવ્યું હતું કે, નિષ્ઠાપૂર્વક, સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક બજાવેલી ફરજનો સંતોષ અનેરો હોય છે. માહિતી ખાતાની કામગીરી વિશિષ્ટ પ્રકારની છે. માહિતી ખાતની પ્રચાર-પ્રસારની કામગીરીના પરિણામે અન્ય વિભાગ-કચેરીની જનહિતલક્ષી કામગીરી પ્રકાશમાં આવતી હોય છે અને રાજ્યના નાગરિકો સુધી વિશ્વસનીય જાણકારી સૂચારું રીતે પહોંચી શકતી હોય છે.
માહિતી નિયામક નલીનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે ખાતાની કામગીરી સંવેદનશીલ છે, ક્યારેક તાકીદની રીતે પ્રેસ કવરેજ અને અન્ય કાર્યક્રમોમાં જઈને અસરકારક કામગીરી કરવાની થતી હોય છે. મહાનગરોથી લઈને છેક છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની કલ્યાણ યોજનાઓની જાણકારી પહોંચાડીને આપણે સેવા કર્યાના સંતોષ અનુભવવાનો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ગુજરાતન જાણીતા યુવા વક્તા અને કોલમિસ્ટ જય વસાવડાએ પ્રેરણાદાયી વકતવ્યમાં જણાવ્યું હતું કે, આપણે બધા સહધર્મી શબ્દસેવીઓ છીએ. આ ડિજિટલ રિવોલ્યુશનના સમયમાં આપણી સામે અનેક પડકારો જણાય, પણ આનંદ અને નિષ્ઠા સથે કામગીરી બજાવીએ તો તે જરૂર ઉગી નીકળે છે. વધુમાં જય વસાવડાએ અનેક પ્રસંગો, અનુભવો અને વૈશ્વિક મહાનુભાવોના ઉદાહરણો સાથે કાર્ય અને આનંદને જોડીને પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.
બેઠકના પ્રારંભે સંયુક્ત માહિતી નિયામક અને ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદીએ સર્વે માહિતી અધિકારીઓને આવકારી ખાતાની વિવિધ કામગીરીઓ વધારે સૂચારું રીતે કઈ રીતે કરી શકાય એની ભૂમિકા બાંધી હતી.
અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલે ખાતાની રોજબરોજની માહિતી-પ્રસારણની કામગીરી વિશે સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શન અપ્યું હતું.
આ બેઠકમાં રાજ્યભરના માહિતી અધિકારીઓ રાજ્ય સરકારની છબી, વધુ અસરકારી રીતે ઉજાગર કરવા હાજર રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.