(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
ભારતે કાશ્મીર અંગે પોતાના અહેવાલામાં સ્પષ્ટ પક્ષપાત કરવાનો સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારોના કમીશનર ઝૈદ રાદ અલ-હુસેન સામે આરોપ મુક્યો છે અને મહામંત્રી એન્ટોનિયો ગુટરેસની સશસ્ત્ર ઘર્ષણમાં બાળકો પરના તેમના રિપોર્ટમાં તેમના આદેશમાં અતિરેક બદલ ભારતે તેમની ટીકા કરી છે. ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ તન્મયલાલે આકરા પ્રહાર કરતા સિક્યુરિટી કાઉન્સિલમાં સોમવારે જણાવ્યું કે ઝૈદનો કહેવાતો રિપોર્ટ કોઇ પણ આદેશ વગર કામ કરનાર એક અધિકારીનો સ્પષ્ટ પક્ષપાત દર્શાવે છે અને અહેવાલમાંની માહિતી ચકાસણીવગરના સૂત્રો પર આધારિત અને નકારાત્મક છે. જ્યારે ગુટરેસ માટે તેમણે કહ્યું કે સેક્રેટરી જનરલના રિપોર્ટથી અમે નિરાશ થયા છીએ. તેમના રિપોર્ટમાં સામેલ કરાયેલી પરિસ્થિતિઓ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા સામે ખતરો કે સશસ્ત્ર ઘર્ષણની વ્યાખ્યા સાથે મેચ થતી નથી. રિપોર્ટ જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ અને ઝારખંડ અંગેનો છે.
સશસ્ત્ર ઘર્ષણમાં બાળકો અંગેની ચર્ચા દરમિયાન તન્મય લાલે ગુટરેસનો તેમના ટાઇટલથી ઉલ્લેખ કર્યો હતો પરંતુ ઝૈદનું નામ કે ટાઇટલનો ઉલ્લેખ કર્યો ન હતો. પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ મલીહા લોધીએે ઝૈદના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ઝૈદના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧૮ વર્ષથી ઓછી વયના બાળકોની મનસ્વી રીતે અટકાયત અને તેમના પર ત્રાસ ગુજારવાના ઘણા કેસો છે. મલીહા લોધીએ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા પેલેટ ગનના ઉપયોગથી બાળકો આંધળા બની રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો.