(એજન્સી) તા. ૮
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ૫૦૦૦ના આંકડાને વટાવી ગયા છે ત્યારે માત્ર એક નાનકડાં રાજ્ય કેરળમાં તેમાંથી ૩૨૭ જેટલાં કેસ નોંધાઈ ચુક્યા છે. આશરે ૬૦ લોકો જેમાં વૃદ્ધ દંપતી પણ સામેલ હતી તે સાજા થઇ ચૂક્યા છે જ્યારે બે લોકો બીમારીને કારણે દમ તોડી ચૂક્યા હતા. વર્તમાન સમયમાં રાજ્યમાં ૨૬૬ જેટલા સક્રિય કેસ છે જેઓ સારવાર હેઠળ છે. આ આંકડો ૭ એપ્રિલ ૨૦૨૦નો હતો. કન્નૂરમાં આવેલી પેરિયારમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આશરે ૧૫૦ જેટલાં દર્દીઓને રખાયા છે અને તેમાંથી અમુક જ ગંભીર હાલતમાં છે અને તેમને આઈસીયુમાં રખાયા છે. ડૉક્ટરે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે બાકીના લોકોની હાલત સ્થિર છે અને તેમનામાં શરદી અને ખાંસી જેવા સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યાં છે. કેરળમાં મોટાભાગના કેસ ઉત્તર જિલ્લા કાસરગોડમાં નોંધાયા છે જ્યાં ૧૦૦થી વધુ લોકો ચેપગ્રસ્ત મળી આવ્યાં છે અને હજારો લોકોને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આશરે ૫૦ લોકો તો કન્નૂરમાં ચેપગ્રસ્ત થયા છે, જ્યારે ૨૦ પોઝિટિવ કેસ એર્નાકૂલમ જિલ્લામાં પણ નોંધાયા છે. તમને જણાવી દઇએ કે દેશમાં કોરોનાનો પ્રથમ કેસ પણ કેરળ રાજ્યમાં જ નોંધાયો હતો એ પણ ૩૦ જાન્યુઆરીએ. આ શરૂઆતના તબક્કે મધ્ય ફેબ્રુઆરી સુધિમાં તો ત્રણ કેસ જ નોંધાયા હતા. ૮ માર્ચ પછી ચેપના બીજા તબક્કાની શરૂઆત થઇ અને ઈટાલીની જેમ અહીં પણ સતત કેસ વધવાની શરૂઆત થઈ. અહીં સ્થિતિને ટાળવાના પ્રયાસ રૂપે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો રાત-દિવસ કામ કરી રહ્યાં છે. સરકારે અનેક ડૉક્ટરોને રિઝર્વ રાખવા પણ નિર્દેશ આપ્યો છે. જુદા જુદા સંસ્થાનોમાં ડૉક્ટરોની ફરજની ટાઈમિંગ બદલી નાખવામાં આવી છે જેથી સતત ૨૪ કલાક માટે ડૉક્ટરની હાજરી સુનિશ્ચિત થઇ શકે. કેટલીક સંસ્થાનોમાં બે અઠવાડિયા કામ અને આગામી અઠવાડિયે ડૉક્ટર માટે વીક ઓફ જેવી સુવિધા અપનાવી રહ્યાં છે જ્યારે અન્ય સંસ્થાનો જુદી જુદી મેથડ અપનાવી રહ્યાં છે. કેરળમાં વિદેશથી આવનારા લોકોની સંખ્યા પણ વધુ છે. ભારતમાં ૨૦-૨૫ ટકા ટેસ્ટ તો ફક્ત કેરળમાં જ થયા છે. ૨૦૧૪માં કેરળમાં હાથ ધરવામાં આવેલા માઈગ્રેશન સરવે અનુસાર આજે દુનિયાના જુદા જુદા દેશોમાં આશરે ૨૪ લાખ જેટલા કેરળના નાગરિકો વસવાટ કરી રહ્યાં છે.